Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રાપર પબજી ગેમમાં ફસાવી સગીર કિશોર પાસેથી તેના મિત્રોએ જ ત્રણ લાખ રૂપિયા પડાવ્યાં

રાપરના આડેસર ગામના ૧૨ વર્ષના તરુણ મિત્રોનો મામલો પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યા બાદ વાલીઓની દોડધામ

ભુજ,તા.૨૯: મોબાઈલ ગેમિંગનો ચસકો ભારે પડી શકે છે. એવા અનેક કિસ્સાઓ બાદ પણ ગેમિંગનું ભૂત આજની બાળ તરુણ અને યુવા પેઢી ઉપર છવાયેલું છે.

રાપરના આડેસર ગામે વાસણ અને કરીયાણાના વ્યાપારીના ઘરના કબાટ માંથી છેલ્લા ઘણા સમયથી થોડી થોડી રોકડ રકમની ચોરી થઈ રહી હતી. જોકે, ધીરે ધીરે ચોરીનો આંક ત્રણ લાખનો ટપાવી જતાં ઘર વાળાઓએ વોચ રાખતા ૧૨ વર્ષનો ઘરનો ટેણીયો જ ચોરી કરતો ઝડપાયો હતો. તેને વધુ પૂછપરછ કરતા પોતે પબજી ગેમમાં હારી જતો હોઈ તેના મિત્રો દ્વારા ધાકધમકી કરીને પૈસા માંગવામાં આવતા તે મિત્રોને પૈસા ચૂકવતો હોવાનું ખુલ્યું હતું.

ઘટના ગંભીર લાગતા પરિવારે પોલીસની મદદ લીધી તો ખ્યાલ આવ્યો હતો કે આ તરુણવયના કિશોરને તેની ઉંમરના મિત્રોએ ટાર્ગેટ કરી મોબાઈલ ગેમમાં ફસાવ્યો હતો. પોલીસે આ બાબતે અરજી લઈ વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ ત્રણ લાખની રકમમાંથી તરુણ વયના કિશોરોએ હજારો રૂપિયાની મોંઘી કિંમતના મોબાઈલ ખરીદયા હતા. પણ, વાલીઓએ આ મોબાઈલ કયાંથી આવ્યા તેની પુછા પણ કરી નહોતી. પોલીસ તપાસ બાદ વાલીઓએ દોડધામ શરૂ કરી છે.

તમામ એક જ ગામ ના અને નાની ઉંમરના હોઈ મામલો કદાચ સમેટાઈ જાય એવું લાગે છે. પણ, મોબાઈલ ગેમમાં ફસાયેલો બાળક અને મોંઘા મોંઘા મોબાઈલ ખરીદતા સંતાનો થી વાલીઓએ સાવધ રહી પોતાના સંતાનોની પૂછપરછ કરવી જોઈએ. (૨૨.૧૩)

 

(3:28 pm IST)