Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બજેટમાં જો અબડાસા વિસ્તાર માટે નર્મદાના પાણી અને વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ન ફાળવાય તો ધારાસભ્ય કરશે સરકાર સામે ઉપવાસ

કચ્છના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વડાપ્રધાન - મુખ્યમંત્રીને લખ્યો પત્ર : શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી સહિતની પાયાની સુવિધાઓનો અભાવ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : કચ્છના અબડાસા મત વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્યએ સરકારની વિકાસની વાતોનો છેદ ઉડાડી દીધો છે. પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતે ધારાસભ્ય તરીકે પક્ષા પક્ષીથી દૂર રહીને પ્રજાકીય હિત માટે વિકાસ કાર્યો માટે બજેટમાં ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરી છે. જો, તેમની રજૂઆતને ધ્યાને લઈને સરકાર બજેટ સત્રમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો, ગાંધીનગર મહાત્મા મંદિર સામે પોતે સરકાર સામે ઉપવાસ પર બેસશે એવી ચીમકી પણઙ્ગ લેખિત પત્રમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આપી છે.

શ્રી જાડેજાએ કરેલી રજુઆતમાં (૧) નર્મદાનું પાણી, કચ્છ માટે બનેલી નર્મદા યોજના હવે બંધની ઊંચાઈ વધ્યા પછી પણ પાણી હજી રાપર ભચાઉથી આગળ પહોંચી શકયું નથી. દુષ્કાળથી પીડીત સરહદી લખપત, અબડાસામાં અનેક લોકો હિજરત કરી ગયા છે. સરહદના ગામડાઓ સુના છે. ત્યારે અહીં સુધી નર્મદાનું પાણી પહોંચાડવા તેમણે દેશહિતમાં ભાર પૂર્વક જણાવ્યું છે.

(૨) અબડાસા, લખપત, નખત્રાણા એ ત્રણેય તાલુકામાં ઉચ્ચ શિક્ષણ માટેની એક માત્ર જીએમડીસી કોલેજ બંધ થવાના આરે છે. તે કાયમી સારી રીતે ચાલી શકે તેવી વ્યવસ્થા સરકાર કરે તેવી તેમણે માંગ કરી છે.

(૩) અહીં ચાલતી લિગ્નાઈટની ખાણ સરકારે બંધ કરી દીધી છે. સ્થાનિક ઉદ્યોગો દ્વારા વર્ષ દરમ્યાન માત્ર છ જ મહિના રોજગારી અપાય છે. તેમાં પણ અપૂરતી રકમ ચૂકવાય છે. આવા સંજોગોમાં રોજગારી માટે કાયમી વ્યવસ્થા થવી જોઈએ.

(૪) સરકાર પવનચક્કી માટે અને અન્ય ઉદ્યોગકારો માટે તેમના વ્યવસાય માટે સરકારી જમીન ફાળવે છે. પરંતુ વર્ષોથી અહીં વાડીમાં કે ગામતળમાં થોડી જમીન વાળીને રહેતા લોકોની જમીન તેમને નામે થતી નથી. અનેક ગામોમાં નાની નાની અધુરાશોને કારણે ઘર માટેની જમીન તેમના નામે ચડતી નથી. પરિણામે ગ્રામ પંચાયતની આવક થતી નથી. લોકોનું ઘરનું ઘર બનતું નથી. સરકાર જનહિતમાં નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરે. (૫) અબડાસા વિસ્તારમાં લખપત, ગુરૂદ્વારા, નારાયણ સરોવર, કોટેશ્વર, માતા ના મઢ જેવા પ્રવાસન સ્થળો છે, ઉદ્યોગો છે, પણ રસ્તા વર્ષોથી જર્જરિત છે. આ સરહદી વિસ્તાર પણ છે. સરકારે અહીં રસ્તાઓ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવી જોઈએ. (૬) નખત્રાણાને નગરપાલિકા આપવા તેમ જ અહીં વધતાં જતાં અકસ્માતો અટકાવવા બાયપાસ રોડ બનાવવા પણ તેમની રજુઆત છે.

(3:39 pm IST)