Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમરેલીઃ દામનગર સહજાનંદ આર્ટસ કોલેજ ખાતે યુવક સહકારી શિક્ષણ વર્ગનો પ્રારંભ

અમરેલી, તા., ર૯: ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્વયે અમરેલી જીલ્લા સહકારી સંઘ, અમરેલીનાં ઉપક્રમે શ્રી સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (સ્વામીનારાયણ ગુરૂકુળ) દામનગર ખાતે અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી મનીષભાઇ સંઘાણી, અમરેલી જીલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, જીલ્લા સંઘના વાઇસ ચેરમેન હરજીભાઇ નારોલા, બગસરા નાગરીક શરાફી મંડળી લી. ચેરમેન અને જીલ્લા સંઘના ડીરેકટર શ્રી રશ્વીનભાઇ ડોડીયા, સ્વામીનારાયણ ગુરૂકુળનાં સ્વામી ચંદ્રપ્રસાદ દાસજી, સ્વામીશ્રી વિષ્ણુચરણ દાસજી, શાસ્ત્રીશ્રી આનંદ સ્વરૂપદાસજી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ડીરેકટર ધીરૂભાઇ ઉમરેટીયા તેમજ અન્ય સ્થાનીક આગેવાનોની હાજરીમાં છ દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

સૌ પ્રથમ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.

આ પ્રસંગે પ્રાસંગોચીત વકતવ્યોમાં સૌ પ્રથમ બગસરા નાગરીક સહકારી શરાફી મંડળીનાં ચેરમેન અશ્વીનભાઇ ડોડીયાએ સહકારી મંડળીઓનું સમાજના આર્થીક અને સામાજીક વિકાસ મહત્વ સમજાવતા જણાવેલ કે વિદ્યાર્થી અવસ્થામાંથી જ ઉમદા સહકારી પ્રવૃતી વિષે માહીતગાર થઇને તમે ભવિષ્યમાં તેમાં સક્રિય ભુમીકા ભજવી પોતાની કારકીર્દી અને જીવન ખુબ ગૌરવશાળી બનાવી શકો છો.

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલે જણાવેલ કે જીવનનાં દરેક તબક્કામાં વ્યકિત સહકારી ભાવના થકી જ ઉજળા કાર્યો કરી શકે છે. વિદ્યાર્થીકાળથી તમારામાં સહકારી પ્રવૃતીનાં બીજ જો પડેલા હોય તો આગળ જતા સામાજીક જીવનમાં તમે સારી રીતે સફળતા તરફ આગળ વધી શકો છો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા જીલ્લા સંઘના ચેરમેનશ્રી મનીષભાઇ સંઘાણીએ જણાવેલ કે આદિકાળથી સહકારી ભાવના ઉપર જ સમાજ વ્યવસ્થા ટકેલી છે કુટુંબ કે સમાજમાં આપણે એકબીજાની મદદથી જ આપણા તમામ કાર્યો પાર પાડી શકીએ છીએ. સહકારી ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ રોજગારીની પણ ઘણી તકો રહેલી છે. તેઓએ હાલમાં સમાજમાં પહેલા પડકારો, ભ્રષ્ટાચાર, ગુનાખોરી વિગેરે પ્રશ્નોનો પણ નીડરતાથી સામનો કરવાન અપીલ આ તકે કરી હતી.

આ તાલીમ વર્ગમાં છ દિવસ સુધી વિગતવાર સહકારી પ્રવૃતીથી માહીતગાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને એક દિવસ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી અને અમર ડેરી અમરેલીની અભ્યાસ પ્રવાસે પણ લઇ જઇ સંસ્થાઓના વહીવટી કામકાજની રૂબરૂ સમજણ આપવામાં આવશે.

સ્વામીશ્રી વિષ્ણુચરણ દાસજી ઉપસ્થિત સર્વેને આશીર્વચન પાઠવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્સીપાલશ્રી કોલડીયા સાહેબ અને ડોબરીયા સાહેબે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમ અને તાલીમ વર્ગનું સંચાલન  અમરેલી જીલ્લા સહકારી સંઘનાં શિક્ષણ અધિકારી શ્રી સંદીપભાઇ ઠાકર કરી રહયા છે.

(1:33 pm IST)