Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ખંભાળિયાના GST ઇન્સપેકટર લાંચ લેતાં હોવાનો વિડિયો વાયરલ થતાં ચકચાર

જીએસટી બોર્ડ નિકળી જતાં લાંચમાં પૈસા માંગ્યા હોવાનો અરજદારનો આક્ષેપઃ વિડિયોમાં પૈસા સ્વિકારતા હોવાનું સ્પષ્ટ દેખાઇ આવી છેઃ એસીબીમાં ફરીયાદ કરવાની તજવીજ

ખંભાળીયા તા.૨૯: ખંભાળિયાના એક અરજદાર પાસેથી જીએસટી ઇન્સપેકટર એમ.આર. રાવલીયાએ જીએસટી નંબર દર્શાવતું બોર્ડ ન હોવાથી લાંચની માગણી કર્યાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પોતાને કોર્પોરેટ જગ્યાએ ઇલેકટ્રીક અને એસી કામ માટે જીએસટી બિલ આપવાના હોવાથી તેમણે જીએસટી નંબર મેળવ્યાં હતાં. નિયમ મુજબ જીએસટી નંબર એપ્રુવલ થયા બાદ નંબર દર્શાવતું બોર્ડ દુકાનદાર/પેઢી સંચાલકે ફરજીયાત પણે લગાડવાનું હોય છે.

જે અંગેનું બોર્ડ યેનકેન પ્રકારે નિકળી ગયું હતું. એ સમય દરમ્યાન જીએસટી ઇન્સપેકટર એમ.આર.રાવલીયા તા.૨૩ના રોજ ઓફીસ સમય પછી સાંજે સાતેક વાગ્યા આસપાસ સ્થળ સર્વે કરવા માટે આવ્યા હતા અને તેમણે બોર્ડ ન જોતા જીએસટી નંબર રદ કરવાનું જણાવ્યું હતું. પરંતુ તા.૨૪/૧ છેલ્લી હોવાથી મેં કહ્યું હતું કે, મુદત સમયમાં ફરીથી બોર્ડ લગાવી દઇશ એમ છતાં તેમણે રૂ.૨૦૦૦ની માગણી કરી હતી. કેટલીક ઓળખાણ અને વાતચિત બાદ રૂ.૧૫૦૦નું નક્કી થયું હતું. તા.૨૪ના બોર્ડ લગાવી દીધા બાદ તેમના વોટસપમાં ફોટો મોકલ્યો હતો. જે બાદ તેમની કચેરીએ જતાં પૈસાની માગણી કરી હતી. આથી મેં રૂ.૧૦૦૦ આપતાં તેમણે ખીસ્સામાં નાખ્યા હતા. અને બપોર સુધીમાં જરૂરી ડોકયુમેન્ટ આવશે તો જ થશે નહીંતર જવાબદારી નથી તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, ખંભાળિયા સહાયક વાણિજયવેરા કમિશનરની ઘટક કચેરીમાં જ લાંચ લેતાં હોવાનું વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટ પણે દેખાય આવે છે. અરજદારે આપેલા પૈસા ખીસ્સામાં નાખતી વખતે પણ જીએસટી ઇન્સપેકટર એમ.આર.રાવલીયા એવું બોલી રહ્યાં છે કે, બસ આટલા જ ? આથી એ પૈસા લેતાં હોવાનું સ્પષ્ટ પણે જણાય છે. હાલ આ સમગ્ર મામલો ખંભાળિયા  એસીબી કચેરીએ પહોંચ્યો છે.

(1:27 pm IST)