Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ડિટેઇન થયેલ માછીમારી બોટના મુદ્દે ભુજની મત્સ્યોદ્યોગ કચેરીમાં ધાકધમકી અને બબાલ

 ભુજ તા. ૨૯ : ગત અઠવાડિયે તા/૨૪/૧ ના મુન્દ્રા મરીન પોલીસે ઝડપેલી બોટના કાગળીયાઓના મુદ્દે ભુજની મત્સ્યોદ્યોગ કચેરીમાં બબાલ સર્જાતા પોલીસ બોલવાઈ હતી.

અદાણી પોર્ટમાં કોન્ટ્રાકટ ઉપર ચાલતી પીરાની નામની બોટમાં રજિસ્ટ્રેશન અને કાગળોની અધૂરાશ હોઈ મુન્દ્રા મરીન પોલીસે તે જપ્ત કરીને તે અંગે ભુજ સ્થિત મત્સ્યોદ્યોગ કચેરીને જાણ કરી હતી.

આ અન્વયે મુન્દ્રાના લુણી ગામના બોટ માલિક હાસમ ઈલિયાસ માંજલિયા તેના પિતા આમદ માંજલિયા સાથે કાગળો માટે ભુજની મત્સ્યોદ્યોગ કચેરીમાં આવ્યા હતા. ત્યાં ફિશરીઝ અધિકારી મહેશ દાફડા સાથે તેમણે અપશબ્દો ભાંડી બોલાચાલી કરી બુક ઝુંટવતાં તે ફાટી ગઈ હતી. ફિશરીઝ કચેરીમાં થયેલ ડખ્ખાના કારણે પોલીસને જાણ કરાઈ હતી. ભુજ બી ડિવિઝન પોલીસે બોટ માલિક પુત્ર અને પિતા સામે ફરિયાદ નોંધી હતી. તો, બોટ માલિક પુત્ર અને પિતાએ ફિશરીઝ અધિકારી વિરુદ્ઘ અપશબ્દો ભાંડવાનો અને પંચથી મારવાનો આક્ષેપ કર્યો છે.  જોકે, મત્સ્યોદ્યોગ કચેરીના આસી.ડાય. જે.એલ. ગોહિલે માછીમારી લાયસન્સ વાળી બોટના ખાનગી કોન્ટ્રાકટમાં થઈ રહેલા ઉપયોગ સામે તપાસની વાત કરી દરિયાઈ સુરક્ષા મામલે સાવધાની ઉપર ભાર મુકયો હતો.

(12:17 pm IST)