Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સુત્રાપાડામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સરસ્વતી શાળામાં ઉજવણી

પ્રભાસ પાટણ,તા.૨૯:સુત્રાપાડા તાલુકા કક્ષાના ૭૧મા પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલ, ગોરખમઢી ખાતે ખૂબ જ આનંદ, ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુત્રાપાડા તાલુકાના મામલતદારશ્રીની આગેવાની હેઠળ ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સુત્રાપાડા તાલુકાના મામલતદારશ્રી, સુત્રાપાડાના પી.એસ.આઈ., તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્યો, ગોરખમઢી તથા નવાગામના સરપંચશ્રીઓ, શ્રી ગોરખનાથ કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, શ્રી સરસ્વતી વિદ્યામંદિર, મોડેલ સ્કુલ, ગોરખમઢી પે-સેન્ટર શાળા તથા નવાપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતાં.

કાર્યક્રમની શરૂઆત સવારે વિદ્યાર્થી રેલી સાથે થઈ હતી. ત્યારબાદ મામલતદારશ્રી દ્વારા ધ્વજવંદન તથા પોલીસ જવાનોની સલામી સાથે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના ઉપાયો વિશે વકતવ્ય, પિરામીડ, તલવાર રાસ, દેશભકિત ગીતો પર નૃત્ય તેમજ રાસ-ગરબા સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉપસ્થિત મહાનુભાવો તથા વિશાળ જનમેદનીએ માણ્યો હતો.

કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે તાલુકા વહીવટી તંત્ર તથા શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(12:09 pm IST)