Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ત્રિરંગો ફરકાવી સલામી આપી

ભાણવડમાં જિલ્લાકક્ષાના પ્રજાસતાકપર્વની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી

ભાણવડ તા.૨૯ : દેવભૂમી દ્વારકા જિલ્લાકક્ષાના ૭૧માં પ્રજાસતાક પર્વની આન બાન શાનથી ઉજવણી કરાઇ હતી. રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ દેશની શાન રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરકાવી સલામી આપી હતી.

દેશના ૭૧માં પ્રજાસતાકપર્વની દેવભૂમી દ્વારકા જિલ્લાકક્ષાની ઉજવણી ભાણવડ ખાતે કરાઇ હતી જેમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહેનાર તમામને રાષ્ટ્રીયપર્વની શુભકામના પાઠવી આઝાદીમાં પોતાના પ્રાણોની આહુતી આપનાર તમામ સ્વાતંત્ર સેનાનીઓ તથા જવાનોને વંદન કરી પૂ. મહાત્માગાંધીને યાદ કરી તેઓએ સુચવેલ માર્ગે ચાલી ઉતમ નાગરીક ધર્મ બજાવવા અનુરોધ કરેલ હતો. સાથે રાજય અને કેન્દ્ર સરકારની સિધ્ધિઓ જણાવી વિવિધ યોજનાઓ થકી લોકોને મળેલ લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસની છણાવટ કરી હતી.

રાષ્ટ્રીય પર્વ નિમિતે શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને અનેક રાષ્ટ્રીય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ શહેરની જનતાના મન મોહી લીધા હતા તો પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન કરેલ વિવિધ આસનો રજૂ કર્યા. સરકારના વિવિધ વિભાગો જેવા કે જિલ્લા પોલીસ, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, અભયમ સેવા, પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ, ખેતીવાડી બાગાયત, આત્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો ઉદ્યોગ કેન્દ્ર, વન વિભાગ, લીડ બેંક, પીજીવીસીએલ વગેરે દ્વારા ટેબલોનું નિદર્શન કરાયુ હતુ.

આ પ્રસંગે સ્વતંત્રતા સેનાની રમણલાલ વાયડાના પુત્ર નરેન્દ્ર વાયડા અને રઘુભા ગોવિંદ જી.વાઢેરના પુત્ર ધીરૂભા વાઢેરનુ શાલ ઓઢાડી સન્માન કરેલ તો રાજય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે જિલ્લાનુ નામ રોશન કરનાર ખેલાડીઓનું તેમજ ૧૦૮ની ઉત્કૃષ્ટ સેવા માટે પ્રશસ્તિપત્ર તેમજ ચંદ્રક આપી સન્માનીત કરેલ હતા તેમજ વિવિધ સ્પર્ધાઓમા અગ્રતાક્રમ મેળવનારનુ પણ સન્માન કરેલ હતુ. રાજય સરકાર તરફથી વિકાસના કામો માટે રૂ. રપ લાખનો ચેક મામલતદારને અર્પણ કરાયો હતો. રાજયમંત્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કરેલ હતુ. આ કાર્યક્રમમાં જિ.પં. પ્રમુખ પી.એસ.જાડેજા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર જાની, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, પ્રાંત અધિકારીઓ વિવિધ કચેરીના અધિકારીઓ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:07 pm IST)