Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અન્વયે

સુરેન્દ્રનગર જિલ્લાના અતિકુપોષિત ૨૪૬૬ બાળકો બનશે કુપોષણમુકત

મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાલકમાતાનું સન્માન, બાળતંદુરસ્તી હરિફાઇ યોજાશે

સુરેન્દ્રનગર,તા.૨૯:- સરકારશ્રીના પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ૨૪૬૬ અતિકુપોષિત બાળકોને કુપોષણમુકત બનાવવામાં આવશે. પોષણ અભિયાન અન્વયે સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તા.૩૦ જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુપોષણ બાળકોના પાલકદાતાનું સન્માન, બાળતંદુરસ્તી હરીફાઈ સહિતના કાર્યક્રમો યોજાશે.

કુપોષણ એ સાર્વત્રિક સમસ્યા છે. કોઈ પણ બાળક કુપોષણવાળું ન રહે એ માટે સરકાર દ્વારા પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના અતિકુપોષિત બાળકોને કુપોષણમુકત બનાવવામાં આવશે. તા.૩૦ જાન્યુઆરી થી ત્રણ દિવસ સુધી મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં ત્રણ દિવસ સુધી યોજાનાર કાર્યક્રમો અને લાંબાગાળાના આયોજન અને અમલીકરણ કરવા થતી કામગીરી માટે કલેકટર કચેરી, સભાખંડમાં  જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશકુમાર રાજયગુરૂની અધ્યક્ષતમાં બેઠક યોજાઈ હતી. આ  બેઠકમાં  જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.પરમાર, પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત ઉપસ્થિત રહયા હતા.

લન્ચ વીથ લાડલી કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરઃ રાષ્ટ્રીય બાલીકા દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગ રૂપે બેટી બચાઓ બેટી પઢાઓ સેલ સુરેન્દ્રનગર દ્વારા શ્રી જગત ભારતી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે  મોચી સમાજની વાડી ચોટીલા ખાતે ૩૦૦ માતાઓને તેમની દિકરીઓ સાથે બોલાવી લન્ચ વીથ લાડલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી શ્રી શૈલેષભાઇ અંબારીયા, આઇ.પી.એસ.અધિકારી શ્રી શેફાલી બરવાલ, ડો.અર્ચનાબેન, મહિલા કલ્યાણ અધિકારીશ્રી રચનાબેન રાવલ, જિલ્લા કો-ઓડીનેટ જલ્પાબેન ચંદેશરા  અને આંગણવાડી કાર્યકર શ્રી ગાબુ સરોજબેન દ્વારા અનેમીયા તેમજ આંણા પ્રથા, દિકરીના શિક્ષણ,  હેલ્થ અને હાઇજીંગ, ગુડ ટચ બેડ ટચ, વ્હાલી દિકરી યોજના અને વિધવા સહાય, બેટી બચાવો બેટી પઢાઓ વિષે માહિતી આપવામાં આવી હતી  અને સ્કુલ બેગનું  વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નેહાબેન, એમ.એસ.મકવાણા અને  જીતુભાઇએ જહેમત ઉઠાવી હતી.

(12:16 pm IST)