Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ધોરાજી ગુલઝાર પાર્ક વિસ્તારમાં પાણી પ્રશ્ને લતાવાસીઓના ધરણા

કોંગ્રેસના શાસનમાં પાણી પ્રશ્ને કોંગ્રેસના જિલ્લા હોદ્દેદારો ધરણા પર ઉતર્યા...

ધોરાજી, તા.૨૯: ધોરાજીના ગુલઝાર પાર્ક તેમજ અબ્દુલ કાદિર પાર્ક સહિત સોસાયટી વિસ્તારોમાં પીવાના પાણી પ્રશ્ને બાળકો મહિલાઓ અને લતાવાસીઓ ધરણા પર બેસી દેખાવ કરતાં સંભવિત ઘર્ષણો ની સ્થિતિને ધ્યાને લઇ ધોરાજી પોલીસ તંત્ર પણ દોડી ગયું હતું.

છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીના કનેકશન નગરપાલિકા દ્વારા આપવામાં નહીં આવતા આ વિસ્તારોમાં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે.

પાણીની મુખ્ય લાઈન એ વિસ્તારમાં તૂટી જતાં પાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓ દ્વારા રીપેરીંગ કામ કરવા માટે જતા લતાવાસીઓ એકત્ર થઇ ગયા હતા અને જણાવેલ કે પહેલા અમોને પાણીનું કનેકશન આપો ત્યાર બાદ અમો લાઈન રિપેર કરવા દઈશું. મહિલાઓનું આક્રોશ જોઇ નગરપાલિકા વિભાગે તાત્કાલિક પોલીસ મથકે જાણ કરતા સંભવિત દ્યર્ષણો ની સ્થિતિને લઇ પોલીસ કાફલો દોડી આવ્યો હતો કયારે ઉપસ્થિત સોસાયટીના બાળકો મહિલાઓ અને પુરુષો તમામ ધરણાં પર ઉતરી ગયા હતા.

આ મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ મંત્રી અને ગરાણા સમાજના યુવા અગ્રણી અબદુલભાઇ નાલબંધે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી વિકસિત થયેલા અબ્દુલ કાદિર પાર્ક તેમજ ગુલઝાર પાર્ક સહિત વિવિધ સોસાયટીઓમાં પીવાના પાણીના કનેકશન અપાયા નથી આ વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. ધોરાજી નગરપાલિકા ને પાણીના કનેકશન પેટે ભરવાના થતા છ માસ થી રૂપિયા ભરી દીધા હોવા છતાં પાલિકા દ્વારા કનેકશન આપવામાં આવતું નથી આથી અમો લતાવાસીઓએ ફાળો એકત્ર કરી પાણીના કનેકશન માટે જોઈતી ચીજવસ્તુઓ ૪૦ હજાર રૂપિયાની ખરીદી અમારી જાતે કનેકશન મેળવ્યું છે.

બીજી તરફ ધોરાજી નગરપાલિકા વોટર વર્કસ સમિતિ ના અધિકારી અમુભાઈ મકડીયા ને પૂછતાં તેમણે જણાવેલ કે ધોરાજી નગરપાલિકાની જે પાણીની મુખ્ય પાઈપ લાઈન છે જેનાથી શહેરના વિવિધ ટાંકાઓ સુધી પાણી પહોંચાડવામાં આવે છે તે લાઈન તૂટી જતાં લતાવાસીઓ લાઈન રિપેર કરવા દેતા નથી અને પાલિકા દ્વારા લતાવાસીઓ ની માગણી મુજબ વહેલી તકે પાણીના કનેકશન કપાઈ જાય તે પ્રકારે પાલિકા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

હાલ પાણીના પ્રશ્ને લતાવાસીઓ માં ભારે રોષ છવાયો છે તેમજ ધોરાજી નગરપાલિકા માં કોંગ્રેસનું શાસન છે ત્યારે પાણી પ્રશ્ને રાજકોટ જિલ્લા કોંગ્રેસ મંત્રી અબદુલભાઇ નાલ બંધ તેમજ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા નિવૃત સૈનિક ગંભીરસિંહ વાળા સહિતના અગ્રણીઓ લતાવાસીઓ ની વેદનાને વાચા આપવા તેમજ તેમના પ્રશ્નો ઉકેલવા પાલિકા સામે રોષ વ્યકત કરી લતાવાસીઓ સાથે ધરણાં જોડાયા છે.

હાલ ધોરાજી નગરપાલિકા ના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ તંત્ર સોસાયટી વિસ્તારમાં ઉપસ્થિત છે ત્યારે લતાવાસીઓ પણ ટસના મસ થતા નથી. અને ધરણા પર બેસી ગયા છે. હાલ તંત્ર દ્વારા સમજાવટના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

(11:58 am IST)