Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

પાળીયાદના મહંત શ્રી નિર્મળાબા મહામંડલેશ્વરની પદવીથી વિભૂષિત

 ભાવનગર તા. ૨૯ : સૌરાષ્ટ્રના પ્રખ્યાત પીરાણા પાળીયાદની સુપ્રસિદ્ઘ જગ્યા 'વિહળધામ'ના મહંત પૂજનિયા નિર્મળાબાને પ્રયાગરાજ, કુંભ મેળા દરમિયાન નિર્મોહી અખાડા દ્વારા ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. આ પાવન મંગલ પ્રસંગે પૂજય મોરારીબાપુની વિશેષ અને પ્રેરક ઉપસ્થિતિ રહી. નિર્મોહી અખાડાના આચાર્ય શ્રી રાજેન્દ્રદાસજી, ચારે અખાડાના આચાર્યો, ત્રણ અણીના મહંતશ્રીઓ, આચાર્યગણ, સચિવગણ, પદાધિકારીઓ, વિશાળઙ્ગ સંખ્યામાં ઉપસ્થિત ભાવકગણ સમક્ષ આ ઉત્સવ સંપન્ન થયો.

આ પ્રસંગે મોરારીબાપુએ પોતાની પ્રસન્નતા વ્યકત કરતાં જણાવ્યું કે માનસમાં તુલસીદાસજીએઙ્ગ એક ક્રાંતિકારી કદમ ભર્યુ છે, જયાં સહુ પ્રથમ માતૃ શરિરા વાણીની વંદના કરીને પછી ગણેશજીની વંદના કરી છે. અહીં પણ નિર્મોહી અખાડાએ જે કોઈ નિયમ હોય તેમાં બાંધછોડ કરીને આજે એક માતાને મહામંડલેશ્વરની પદવી અર્પણ કરી છે. નિર્મળાબાને આ સન્માન મળે એવી પ્રયાગરાજની મરજી હતી. કારણકે રાજાની દ્રષ્ટિમાં કોઈ માટે કોઈ ભેદ હોતા નથી.

બાપુ એ કહ્યું કે પોતે તો અહીં 'સંગમ' ઉપર કથા ગાન કરે છે. નિર્મોહી અખાડાએ તો સંગમ કરી બતાવ્યો છે. આજે સર્વ સંમતિથી આ ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. એક મહિલાને મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી રહી છે. નિર્મળાબા તોઙ્ગ જાજું બોલ્યા વગર મૂક સેવા કરે છે, પણ પ્રયાગરાજ ચૂપ ન રહી શકયા. પાળીયાદમાં સાધુસેવા, જનસેવા, આખરી માણસ સુધીના સહુની સેવા થાય છે ત્યાં માતા ની વંદના થાયઙ્ગ એઙ્ગ યોગ્ય જ છે.

પ્રયાગ એક એવું સ્થળ છે, જે તરત જ ફળ આપે છે. અહીં પુરો સાધુ સમાજ છે એ જ મારો કુંભ છે, એ જ પ્રયાગ છે એવું અહીં આવતાં જ મેં અનુભવ્યું. સાધુ સંગ તરત જ પરિણામ આપે છે એ મેં આ કુંભમાં અનુભવ્યું. કારણકે મારા સૌરાષ્ટ્રમાં બે સ્થાને મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત થાય છે.

બાપુ એ કહ્યું કે પોતે માત્ર સૌરાષ્ટ્રના નહીં પણ સમગ્ર વિશ્વના છે. પોતે સંકીર્ણ નથી છતાં મૂળને ભૂલી શકે નહીં. તેથી અખેગઢના શ્રી ગુરૂ હરિધામના મહંત માર્ગી સાધુ શ્રી વસંતબાપુને અને પાળીયાદ વિહળધામના મહંત શ્રી નિર્મળાબાને મહામંડલેશ્વર બનાવાયા છે. આ સાધુ સંગનું પ્રગટ પરિણામ છે.

બાપુ એ જણાવ્યું કે પોતે પાળીયાદની જગ્યાની શાલિનતા, મર્યાદા, શૂરવીરતા, સેવાભાવને અનુભવ્યો છે. કાઠી સમાજ સૂરજ ની - ઉજાસની છાયામાં રહે છે. પાળીયાદમાં રામજીની વંદના થાય છે અને માનસની ઉપાસના થાય છે, પૂરી વૈષ્ણવ પરંપરાનું પાલન થાય છે. અહીં અપાયેલ પદની ગરિમા જળવાશે, એટલું જ નહીં સવાઈ ગરિમા જળવાશે.

સર્વ સંમતિથી લેવાયેલા આ નિર્ણય બદલ બાપુએ સાધુવાદ સાથે પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી.

(11:40 am IST)