Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

લીંબડીના મોટા ત્રાડીયા ગામની દિકરીએ વધાર્યું ગૌરવ : ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીમાં સિલેક્શન

રાજકોટમાં રહી અભ્યાસ કરતી એથ્લેટ દેવ્યાનીબા એમ.ઝાલાનું રનિંગ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીમાં સિલેક્શન થતાં ક્ષત્રિય સમાજમાં ગૌરવની લાગણી છવાઈ

લીંબડી તાલુકાના મોટા ત્રાડીયા ગામના હાલ રાજકોટમાં રહી એમ.જે.કુંડલીયા કોલેજમાં F.y BBAમાં અભ્યાસ કરતી એથ્લેટ દેવ્યાનીબા એમ.ઝાલાનું રનિંગ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીમાં સિલેક્શન થતાં ક્ષત્રિય સમાજમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલી, ૫૦મી ઈન્ટર યુનિવર્સિટી રનિંગ સ્પર્ધામાં દેવ્યાનીબાએ ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડનો રેકોર્ડ પોતાના નામે કરી ઈતિહાસ રચ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ ખાતે ૫૦મી ઈન્ટર યુનિવર્સિટીની રનિંગ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટની એમ.જે.કુંડલીયા કોલેજ સહિત ૬૯ કોલેજના ૩૩૨ ખેલાડીએ ભાગ લીધો હતો. ૧૦૦ મી.ની રેસ ૧૨.૨૫ સેકન્ડમાં અને ૨૦૦ મીટરની રેસ ૨૫.૬૨ સેકન્ડમાં પુરી કરી અવ્વલ નંબરે આવી દેવ્યાનીબાએ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. બે વર્ષ પહેલા ૧૦૦ મી. રેસ ૧૩.૬૬ અને ૨૦૦ મી. રેસ ૨૭.૭૦ સેકન્ડમાં પૂરો કરવાનો જૂનો રેકોર્ડ જામનગર કોલેજની ખેલાડી કિર્તી ગોસરાનીના નામે હતો. આ રેકોર્ડને તોડી દેવ્યાનીબાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ટૂર્નામેન્ટમાં પ્રથમ નંબર મેળવનાર દેવ્યાનીબા ઝાલાની આગામી સમયમાં ભુવનેશ્વરમાં યોજાનારી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે.

વર્ષ-૨૦૧૭માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ૧૦૦ અને ૨૦૦ મી. દોડમાં ભાગ લઈ દેવ્યાનીબાએ મુખ્યમંત્રીના હસ્તે ગોલ્ડ મેડલ જીત્યા હતા. વર્ષ-૨૦૧૮માં દિલ્હી ખાતે યોજાયેલી ૬૪મી નેશનલ સ્કૂલ એથ્લેટિક્સ ટુર્નામેન્ટમાં ૧૦૦ મી. રનિંગ સ્પર્ધા ૧૨.૪૫ સેકન્ડમાં પુરી કરી ૩૦ વર્ષ બાદ નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતને બોન્ઝ મેડલ અપાવ્યો હતો. ૩ વર્ષથી ખેલ મહાકુંભમાં ૧૦૦ અને ૨૦૦ મી. દોડમાં ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ, આં.પ્ર, મ.પ્ર, ઝારખંડ, આસામ, ગુજરાત સહિતના રાજ્યોમાં યોજાયેલી રનિંગ સ્પર્ધામાં ભાગ લઈ ૪ વર્ષમાં ૭ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૩ બોન્ઝ મેડલ જીત્યા છે.

રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂકેલા એથ્લીટ દેવ્યાનીબા ઝાલા ૧૦૦ મીટર દોડ ૧૨.૧૯ સેકન્ડ અને ૨૦૦ મી. દોડ ૨૫.૧૨ સેકન્ડના સમયમાં પૂર્ણ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. ગુજરાત રાજયમાં જૂનિયરકક્ષાના પહેલા નંબરના રનર તરીકે જાણીતા બન્યા છે.
ઈન્ટરનેશનલ સ્પર્ધામાં દેશને મેડલ અપાવીશ. દેવ્યાનીબા ઝાલા. એથ્લીટ

મારા પિતા, હિમાદાસ અને સરિતા ગાયકવાડને હું આદર્શ માનું છું. ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈ દેશને મેડલ અપાવવાનું સ્વપ્ન છે. એક દિવસ મારા સપનાને જરૂર સાકાર કરીશ. દિકરીઓને કારકિર્દી બનાવવા યોગ્ય પ્લેટફોર્મ અને પરિવારજનો સહકાર મળે તો તેને આગળ વધતા કોઈ રોકી ન શકે.

(12:39 am IST)