Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ભાગ્યેજ જોવા મળતી ઘટના !! તળાજાના ભાલર ગામે અજગર દંપતીનું રેસ્કયુ

ભાવનગર, તા.૨૮: તળાજા પંથકમાં સરીસૃપ જીવ અજગર ની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.એ બતાવે છેકે તળાજા પંથકનું વાતાવરણ અજગર જેવા સરિસૃપ જીવ ને માફક આવી રહ્યું છે તો બીજી તરફ તળાજા પંથકમાં સર્પ કરડવાના બનાવો પણ વર્ષ દરમિયાન અનેક બને છે. જોકે આજે ભાગ્યેજ જોવા મળતી ઘટના ફોરેસ્ટ વિભાગને મળી હતી. અજગર દંપતી આજે ભાલર ગામે એકીસાથે જોવા મળ્યા હતા. જેનું ફોરેસ્ટ એ રેસ્કયુ કરી બંને ને મેટિંગ માં ખલેલ ન પહોંચે તે માટે સલામત સ્થળે છોડી દેવામાં આવ્યાં હતાં.

ખેડૂત ગજુભા પ્રવિણસિંહ વાડીએ ગયા ત્યારે જારના ઓઘામાં અજગર જોવા મળતા તેઓએ સરપંચ કિશોરસિંહ અમુભા ને જાણ કરી. સરપંચ એ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા અજગર નું રેસ્કયુ કરવા માટે દોડી આવેલ. એ દરમિયાન ફોરેસ્ટ વિભાગને મેઈલ ફિમેઇલ અજગર મળી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુંકે તળાજા પંથકમાં અજગર ની વસ્તીમાં સારો એવો વધારો થયો છે.પહેલા મહિનામાં એક બે રેસ્કયુ થતા હતા જે હવે આઠ દસ જેટલા રેસ્કયુ કરવા પડે છે.નોંધનીય છેકે મેટિંગ સમય દરમિયાન જંગલી જીવ સુધી જવું એ જીવને જોખમમાં મુકવા બરાબર હોય છે. જે આજે તળાજા ફોરેસ્ટના જી ડી ચૌહાણ રેપીટ ફોરેસ્ટ ગાર્ડ, અશોકસિંહ ગોહિલ, હિરાભાઈ કાળાભાઈ ગિલોતર સહિત ફોરેસ્ટ ટીમએ સાહસ ખેડી સલામત સ્થળે છોડી આવ્યા હતા.

(11:44 am IST)