Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પૂરપાટ જતી કારની ઠોકરે ભોગાતના બાઇક સવાર યુવાનનું મોત

જામ ખંભાળીયા તા. ર૮: કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વજમલ જેસા રૂડાચ નામના ૪૦ વર્ષના ગઢવી યુવાન ગત તારીખ ર૬મીના રોજ રાત્રીના સમયે પોતાના જી.જે. ૧૦ બી.એમ. ૬૦૭૭ નંબરના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પર બેસીને વેદાન્તા કંપનીમાં સિકયુરિટી ઓફિસે જઇ રહ્યા હતા, ત્યારે રાત્રીના નવેક વાગ્યાના સુમારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઇપૂર્વક જઇ રહેલા જી.જે. ૧૦ ટી.વાય. ૪પ૮૩ નંબરના ટાટા સુમો કારના ચાલકએ વજમલભાઇ રૂડાચના મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા આ મોટર સાયકલ રોડની એક બાજુ આવેલી નાલીમાં ખાબકયું હતું. જેના કારણે બાઇક ચાલક વજમલ જેસાભાઇને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતરાઇ ભાઇ ભીખાભાઇ મુરુભાઇ રૂડાચ (ઉ.વ. ૪૧, રહે. ભોગાત) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટાટા સુમોના ચાલક સામે આઇ.પી.સી. કલમ ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮, ર૭૯ તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાડીનારમાં મતદાન અંગેનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો

વાડીનાર ગામે રહેતા સલીમભાઇ અબ્બાસભાઇ સંઘાર નામના ૪૦ વર્ષના મુસ્લિમ વાઘેર યુવાનને ગત સાંજના સમયે વાડીનાર સ્થિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચા ની કીટલી પાસે ધસી આવેલા અલી અબ્દુલ સંઘાર અને હારીફ અલી સંઘાર નામના બે શખ્સોએ ફરિયાદી સલીમભાઇને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉભેલા આરોપી અલી અબ્દુલ સંઘારના ભાઇને ''મત કેમ આપ્યો નહીં'' તેમ કહી, આ બાબતનો ખાર રાખી, હારીફ અલી સંઘારે સલીમભાઇને પંચ કિલપ (મુઠ) વડે હુમલો કરી, બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઇ.પી.સી. કલમ ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઇ ચાવડાએ હાથ ધરી છે.

(11:43 am IST)