Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

તુમ બીન જાઉં કહા... આમિરખાને જંગલમાં લગ્નતિથીએ ગીત લલકાર્યું

પરિવાર સાથે આવેલા અભિનેતાએ સાસણના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું: ગોળના રાબડામાં ગોળ કેમ બને? તેની માહિતી મેળવી

પ્રથમ તસ્વીરમાં આમિરખાન જંગલમાં ફિલ્મ ગીત લલકારે  છે. બીજી તસ્વીરમાં વહેલી સવારે  ચા ની ચુસ્કી, ત્રીજી તસ્વીરમાં સવારે રિસોર્ટની બહાર, ચોથી તસ્વીરમાં વનવિભાગના ડીસીએફ મોહન રામ, સીસીએફ ડો. દુષ્યંત વસાવડા, પીસીએફ ધીરજ મિત્તલ તેમજ એસ.કે. શર્મા સહિતનાઅધિકારીઓ તથા પાંચમી તસ્વીરમાં સવારે જુદા-જુદા વિસ્તારમાં જવા પ્રસ્થાન કર્યું હતું તે તથા છઠ્ઠી તસ્વીરમાં વનવિભાગ સહિતની ટીમ સાથે આમિરખાન નજરે પડે છે.(તસ્વીરઃ દિપક તન્ના-તાલાલા ગીર)

રાજકોટ તા. ર૮ : ફિલ્મી અભિનેતા આમિરખાન શનીવારથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ગઇકાલે સિંહ દર્શન કર્યાં બાદ આજે આમિરખાન અને પત્નિ કિરણખાનની લગ્નતિથી હોવાથી વહેલી સવારે ગીતનું ગાયન અમિરખાને જંગલમાં કર્યું હતું.

આજે સવારે આમિરખાને હાથમા માઇક લઇને અને સાજીંદાઓના સથવારે શશીકપુર અભિનેતા અને  કિશોરકુમારના સ્વરમાં ગવાયેલ ફિલ્મ 'પ્યારા કા મોસમ''નુ ગીત ''તુમ બીન જાઉં કહા...''લલકાર્યું હતું. અને જંગલમાં ગીત સંગીતની મહેફીલ જામી હતી.

કાલે સાંજે અને આજે દિવસ દરમિયાન આમિરખાને સાસણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને  શેરડીમાંથી બનાવવામાં આવતા 'ગોળના રાબડા' ના સ્થળની પણ મુલાકાત લઇને તેની માહિતી મેળવી હતી.

આમિરખાનના પ્રવાસ દરમિયાન વન વિભાગનાં સીસી એફ મોહન રામ અને વન વિભાગના ટીમે વ્યવસ્થા સંભાળી હતી.

આમિરખાન સાથે તેના પત્નિ કિરણખાન, પુત્ર આઝાદ, પુત્રી ઇરા સહિત પરિવારજનો અને સગા-સબંધીઓ સાથ પ૦ સભ્યો જોડાયા છે.

આમિરખાને જંગલમાં જુદા-જુદા રૂટ ઉપર ૧૩ સિંહો નિહળ્યા હતા અને રોમાંચ સાથે આનંદ અનુભવ્યો હતો.

(1:03 pm IST)