Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

બરડિયામાં ર૦ ગામના સરપંચો, આગેવાનો દ્વારા કિરીટભાઇ પટેલનું સન્માન

જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢના માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે નવનિયુકત અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી વખત વરાયેલા લેઉવા પટેલ સમાજના યુવા નેતા કિરીટભાઇ પટેલનું વિસાવદર તાલુકાના બરડિયા ગામ ખાતે આસપાસના ર૦ ગામોના સરપંચો અને સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું. સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઇ વઘાસીયાના નેજા હેઠળ યોજાયેલા ગામે આ કાર્યક્રમમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિસાવદર તાલુકાના બરડિયા ગામે અભિવાદન સ્વાગત સમિતિ દ્વારા યોજાયેલા  આ સમારોહમાં આસપાસના ર૦ ગામના સરપંચો તથા સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કિરીટભાઇનું  ફુલહાર તથા મોમેન્ટો અર્પણ કરીને ભવ્ય સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંબોધન કરતા સમાજ સેવક હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, કિરીટભાઇ જેવા નિડર અને સાહસી યુવા નેતૃત્વની આજે સમાજને જરૂર છે. સમાજના સારા-નરસા પ્રસંગોએ સાથે રહીને યુવાનોને સાચા માર્ગે જવાની પ્રેરણા આપે તેવા યુવા નેતા કિરીટભાઇ અત્યાર સુધી સમાજને ખુબ ઉપયોગી થયા છે. તેમણે સમાજના તમામ વર્ગના યુવાનોને શિક્ષણ મેળવીને સમાજને સદમાર્ગે લઇ જવા માટે મહેનત કરવાની અપીલ કરી હતી. શિક્ષીત બનેલા યુવાનો શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ સમાજના ઉત્કર્ષ તથા રચનાત્મક કાર્યો માટે કરે તેવી શીખ આપી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઇ કોટીલા, તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રભાઇ સાવલીયા, તાલુકા ભાજપ મહામંત્રી પરસોતમભાઇ પદમાણી અને રમેશભાઇ મકવાણા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઇ રીબડીયા, મોણીયાના બાબુભાઇ સાવલીયા, વિસાવદર ડાયમંડ એસો.ના પ્રમુખ વિજયભાઇ રીબડીયા, ભાજપના અગ્રણી  હમીરભાઇ માડમ વગેરે હાજર રહ્યા હતાં. બરડીયા, જાંબાળા, સાંખડાવદર, બાદલપુર, સેમરાળા, ગીર શોભાવડલા, વાડલા, દાદર, નાની મોણપરી, જુની ચાવંડ, લીમધ્રા, સુખપુર, ખાંભા, રામપરા, ચિરોડા, રતાંગ, લીલીયા, પીરવડ તમામ ગામના સરપંચો અને આગેવાનોએ સમારોહમાં ભાગ લીધો હતો.

ભવ્ય અભિવાદન બાદ પોતાનો પ્રતિભાવ આપતા કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઇશ્વરે તેમને આપેલી શકિતઓ અને હોદાનો ઉપયોગ તેઓ કાયમી સમાજની સેવા માટે કરશે. સમાજના ખેડૂતોથી માંડીને કોઇપણ વર્ગને કયારેય જરૂર પડશે ત્યારે હમેંશા સાથે રહેવાની ખાતરી આપી હતી. આજે યુવા વર્ગ ખોટી વાતોમાં ગેરમાર્ગે દોરાઇ રહ્યો છે. તેની શકિતઓ ખોટી રીતે વેડફવામાં આવી રહી છે. ત્યારે યુવાનો કોઇ ભ્રમમાં આવ્યા વગર પોતાની રીતે સારા-નરસામાં વિચાર કરીને સાચો માર્ગ પસંદ કરે તેવી અપીલ તેમણે કરી હતી. અભિવાદન કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ રજનીભાઇ નાકરાણી, ઉપસરપંચ પંકજભાઇ સાવલીયા, કરમણભાઇ વઘાસીયા, પરસોતમભાઇ પી. વઘાસીયા, કિશોરભાઇ કાનાણી, ગૌશાળા સમિતિના જયસુખભાઇ પેથાણી, ગરબી મંડળના બાબુભાઇ સાવલીયા, રામ મંદિર ગરબી મંડળના હરીભાઇ સાવલીયા, અશોકભાઇ નાકરાણી, ભરવાડ સમાજના અગ્રણી રમેશભાઇ મધવા, લાલજીભાઇ છોડવડીયા, બક્ષીપંચ અગ્રણી બાબુભાઇ મકવાણા, રમેશભાઇ ભટ્ટી, અંકિતભાઇ રૂડાણી, ચંદુભાઇ સાવલીયા, બ્રાહ્મણ સમાજના અગ્રણી મિલનભાઇ ભટ્ટ તેમજ ગામના અન્ય તમામ યુવાન મિત્રો અને સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

(12:45 pm IST)