Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કુંવરજીભાઇ બાવળીયા અને ડો. બોઘરાની ઉપસ્થિતિમાં આટકોટ કલસ્ટરમાં કુલ ૮.૧૧ કરોડના ખર્ચે વિકાસકામોના ખાતમુહૂર્ત - લોકાર્પણ

જસદણ, તા. ૨૮  :જસદણ તાલુકાના વિરનગર ગામે શ્યામાપ્રસાદ મુખર્જી મિશન હેઠળ આટકોટ કલસ્ટર અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયો હતો.

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્ત્વમાં અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ રૂપે ગ્રામ્ય વિસ્તારની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને રહેશે. વિકાસયાત્રાના ભાગરૂપે આટકોટ કલસ્ટરના પાંચ ગામના લોકોને વિવિધ યોજનાનો સીધો લાભ મળશે.

સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ખરા અર્થમાં ગામનો વિકાસ થાય અને ગામડાને શહેરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર કટિબદ્ઘ છે. શ્યામા પ્રસાદ મુખર્જી રુર્બન મિશન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યુ હતું જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારો જેવી સુવિધાઓનો વિકાસ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે.

આ પ્રસંગે જસદણના પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે રાજયની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસ માટે ખાસ પ્રયાસો થઈ રહ્યા છે. આટકોટ અને આસપાસના વિસ્તાર સહિત જસદણ વીંછીયા પંથકના વિકાસ માટે ભાજપ સરકાર કટિબધ્ધ છે. સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ દ્વારા તથા આભાર વિધી જિલ્લા લાઈવલીહુડ મેનેજર વી.બી.બસીયા દ્વારા કરવામાં આવી હતી. વલ્લભભાઈ રામાણી, ભગુભાઈ બસીયા, મનસુખભાઇ ડામસિયા, અલ્પેશભાઈ રૂપારેલીયા, જીજ્ઞેશભાઈ હિરપરા, અરજણભાઈ રામાણી, પરેશભાઈ રાદડિયા, મનસુખભાઇ જાદવ, વિરનગર, આટકોટ, જંગવડ, પાંચવડા ખારચીયા જામના ગામ સરપંચો તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:28 am IST)