Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

જૂનાગઢના માંગરોળ તાલુકાના ઓસા ગામની નદીમાં વિશાળ મગરે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ : સૌરાષ્ટ્ર પર કુદરત તો ઠીક પરંતુ કુદરતી સંપત્તી પણ રૂઠી હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ગીર-અમરેલી અને આસપાસનાં વિસ્તારમાં જ્યારે દીપડાઓની રંઝાડ વધી છે. જમીન પર ખેડૂત ભયભીત જ રહે છે પોતાની ખેતીનું રક્ષણ કરવા માટે પણ પાંજરે પુરાઇને રહેવું પડે છે. તેવામાં હવે પાણી પણ ખતરનાક બન્યું છે. માગરોળ તાલુકાનાં ઓસા ગામની નદીમાંવિશાળ મગરે દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગામનાં વાડી વિસ્તારમાં મગર જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સીમ વિસ્તારમાં 9 ફુટ લાંબો મહાકાય મગર જોવા મળ્યો હતો. જેના કારણે પ્રાથમિક તબક્કે ખેડૂતો ગભરાયા બાદ આખરે તેમને લાગ્યું કે તંત્ર તેમને મદદે નહી આવે તેમણે પોતે જ પોતાનાં રક્ષણ બનવું પડશે. જેથી ખેડૂતોએ આખરે મગરને પકડી લીધો હતો. ગામલોકો દ્વારા મગરને પકડીને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ દ્વારા મગરને લઇ જવામાં આવ્યો હતો અને ઘેટ વિસ્તારનાં અમીપુર ડેમમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. જો કે સ્થાનિકોમાં ફોરેસ્ટ વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે જ્યારે કોઇ નાનકડું જનાવર પણ મરી જાય તો આસપાસનાં તમામ ખેડૂતોની ઉંઘ ફોરેસ્ટર દ્વારા હરામ કરી દેવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ પ્રાણી અમારા વાડી વિસ્તારમાં રખડતું હોય ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ફોરેસ્ટને વારંવાર જાણ કરવામાં આવવા છતા કોઇ ફરકતું નથી. જ્યારે કેટલીક સ્થિતીમાં તેઓ ખેડૂતોને એટલા પરેશાન કરતા હોય છે કે ખેડૂતો પરેશાન થઇ જાય છે. તપાસનાં નામે ફોરેસ્ટમાં ગાડીઓ ઘુસાડતા હોય છે જ્યારે ખેડૂતોનાં આખા ખેતર ફેંદાઇ જતા હોય છે.

(5:03 pm IST)