Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

હજુ સુધી પાક વિમો ન મળતા ખેડૂતોની માઠીઃ ભીખાભાઇ બાંભણીયાનો આક્રોશ

જસદણ તા.૨૮: જસદણનાં પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને ખેડુતોને પાક વીમા માટે વીમા કંપનીઓ તરફથી હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હોવા અંગે આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અતિવૃષ્ટિના પરિણામે ખેત ઉત્પાદનની તમામ પેદાશોમાં ઘણંુ બધું નુકસાન થયું છે ત્યારે વીમા પ્રિમિયમમાં બદલામાં ખેડુતોને નુકસાનીનું સમયસર વળતર મળે તે અનિવાર્ય હોવા છતાં વીમા કંપનીઓ તરફથી આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

શ્રી ભીખાભાઇએ જણાવ્યુ છે કે, ખેડૂતોના ઉભા પાકમાં અતિવૃષ્ટિ, દુષ્કાળ કે કમોસમી વરસાદ જેવી કુદરતી આપતિથી કોઇપણ પ્રકારનું નુકસાન થાય તો તે પેટે વળતર આપવાની સંપૂર્ણ જવાબદારી પાક વીમા કંપનીની હોય છે. આમ છતાં સરકાર સહાય માટે રાહત પેકેજ જાહેર કરીને પ્રજાના પૈસાનો બિનજરૂરી ઉપયોગ શા માટે કરે છે તે સમજાતું નથી. વીમા કંપનીઓને પાક વીમા માટે લગભગ ૫૦ ટકા જેટલી રકમનું પ્રિમીયમ ભરવામાં આવે છે છતાં પાક વીમાની ચૂકવણી સમયે વીમા કંપનીઓ દર વર્ષે અખાડા કરે છે તો પણ વીમા કંપનીઓ સામે પગલા લેવામાં સરકાર પાછોતરા પગલા ભરે છે. સરકારનું આ વલણ વીમા કંપનીઓમાં કોઇપણ પ્રકારની સરકારની સાંઠગાંઠ કે હીત હોય તેવી શંકા જનમાનસમાં સ્વાભાવિક રીતે જ ઉદ્દભવે છે.

વીમા કંપનીઓ સામે લાલ આંખ કરી ન શકતી સરકાર બીજી તરફ ખેતીની જણસોને ટેકાના ભાવે ખરીદી માટે ગૌરવ અનુભવે  છે અને અગાઉની સરકારો ટેકાના ભાવે ખરીદી કરતી ન હોવાનો દોષનો ટોપલો પૂર્વેની સરકારો પર ઢોળીને મીડિયામાં પોતાની વાહવાહ કરાવે છે.

અગાઉના સમયમાં ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવો મળતા હોવાને પરિણામે ત્યારે સરકારોએ ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂર પડતી જ નહોતી આમ છતાં અગાઉની સરકારોએ વખતોવખત ખેડૂતોના દેવા માફી અંગેના પગલાઓ લઇને ખેડૂતોને જરૂરી રાહતો આપી જ હતી. વાસ્તવમાં ગુજરાત સરકાર આજની પરિસ્થિતિને અનુલક્ષીને ખેડૂતોની દેવા માફી અંગેની માગણી  સ્વીકારીને સંવેદનશીલતા બતાવે તે અત્યંત જરૂરી છે. ખેડૂતોની દેવા માફીની માંગણીઓ દેશના અન્ય રાજ્યોની સરકારોએ સ્વીકારેલી છે જ, ગુજરાત સરકારે તો માત્ર અન્ય રાજ્યોની દેવા માફીમાંથી પ્રેરણા લઇને ખેડૂતોને રાહત આપવાની છે કેમ કે, ગુજરાતનાં ખેડુતોની હાલત પણ દેશના અન્ય ખેડૂતો કરતાં જુદી નથી.

વાસ્તવમાં ખેડૂતો પરત્વે ભાજપ સરકારની જવાબદારી વધુ બને છે કેમ કે ગુજરાત સરકારે આ પૂર્વે પણ વારંવાર ૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો અનેક વખત આપ્યા છે. પરિસ્થિતિ એ છે કે ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૯નાં ખેતપેદાશોનાં ભાવમાં કશો ખાસ ફરક પડયો નથી બલ્કે કેટલાક ખેત ઉત્પાદનનો ભાવ વધુ ઘટયો છે પરિણામે ખેડૂતોની માઠી પરિસ્થિતિ થઇ છે. તેમ ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યુ છે.ઙ્ગ

ખેડૂતો માટે એક તરફ કુદરતી માર છે તો બીજી તરફ બજારની આ પરિસ્થિતિ પણ સ્પષ્ટ છે ત્યારે પાક વીમાની રકમ અને ટેકાનાા ભાવે ખરીદી તથા કેટલા દિવસમાં પૈસા મળી જશે તેની ખાતરીપૂર્વકની જાહેરાત થાય તે અંગે પણ ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. વાસ્તવમાં ખેતી કુદરત પર આધારિત હોવાને કારણે ખેડૂતોને ચાલુ વર્ષે પણ તમામ બાજુથી માર પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં થયેલા પાછોતરા કમોસમી વરસાદને લીધે કપાસમાં જીંડવા આવ્યા છે અને નાના-મોટો કપાસ ઉતર્યો છે, પરંતુ બાકીના જીંડવાઓમાં ગુલાબી ઇયળ આવી જવાને કારણે કપાસનાં ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી તમામ શકયતાઓ ઉભી થઇ છે. બીજી તરફ ગુજરાતનાં ખેડુતોના ખેતરો પર તીડનાં આક્રમણથી ભારે નુકશાન થયું છે. આ સંજોગોમાં પાક વીમા કંપનીઓએ તાત્કાલિક અસરથી સર્વે કરવાની તેમજ વળતર આપવાની કામગીરી હાથ પર લેવી જોઇએ.

ખેડૂતોનાં સંદર્ભમાં સરકારની સંવેદનશીલતા મરી પરવાની હોય તેવા પ્રકારનાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દાખલા તરીકે ગુજરાતમાં અગાઉ કોઇપણ ખાતેદારનાં વારસદાર તરીકે ૭-૧૨ કે ૮-અનાં દાખલામાં નામ હોય કે ન હોય તો પણ ખેડૂતના વારસદારો જમીનની ખરીદી કરી શકતા હતા. હવે સરકારે આ જોગવાઇમાંથી પણ પલટી મારી છે. નવી જોગવાઇ મુજબ ૭-૧૨ કે ૮-અમાં જે વ્યકિતનું નામ હોય તે જ વ્યકિત કે વારસદાર ખરીદી કરી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતો માટે તદ્દન અન્યાયકર્તા છે. આ સંજોગોમાં જુની પધ્ધતિ પ્રમાણે નિયમની અમલવારી થાય તે પણ અત્યંત જરૂરી હોવાનું ભીખાભાઇ બાંભણીયાએ પત્રનાં અંતે ઉમેર્યુ હતું.

(3:33 pm IST)