Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

પ્રદેશ પ્રમુખના શહેર ભાવનગરમાં દારૂની રેલમછેલઃ વાયરલ પત્રથી ખળભળાટ

ખુદ ભાજપના જ ડેપ્યુટી મેયર અશોક બારૈયા દ્વારા એસ.પી.ને પત્રથી સન્નાટોઃ તાકીદે તપાસ કરવા ભાવનગર રેન્જ વડા અશોકકુમાર યાદવ દ્વારા આદેશ : વિપક્ષી કોંગ્રેસને પણ પ્રહારોની તક સાંપડીઃ ડેપ્યુટી મેયરને અભિનંદન આપવા સાથે દારૂના અડ્ડાઓ બંધ કરવા સાથ આપવાની ખાત્રી આપી

રાજકોટ, તા. ૨૮ :. ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વિરૂદ્ધ છેડાયેલ જંગમાં પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ બચાવમાં ઉતરી પડયા હતા તેવા સંજોગોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના વતનના શહેર ભાવનગરમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાનો સનસનાટી ભર્યો આરોપ ખુદ ભાજપના ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયાએ કરતા જ ખળભળાટ મચી ગયો છે અને કોંગ્રેસને ભાજપ પર પ્રહારો કરવાની તક સાંપડી જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

ભાજપના ડે. મેયર અશોકભાઈ બારૈયાએ ભાવનગર એસ.પી.ને પત્ર પાઠવી ભાવનગરમાં બોર તળાવ સહિતના વિસ્તારોમાં દારૂના ધમધમતા અડ્ડાઓ બંધ કરાવવા પત્ર લખી ઉચ્ચ કક્ષાએ દારૂના અડ્ડાઓ અંગે જાણ કર્યાનું સૂત્રો જણાવે છે. ડે. મેયરનો આવો પત્ર વાયરલ થયા બાદ ભાવનગરના વિપક્ષી નેતા જયદીપસિંહ વિગેરેએ ડે. મેયરને અભિનંદન પાઠવી ભાવનગર સહિત ઠેર ઠેર ચાલતા દારૂના અડ્ડાઓની વાત સ્વીકાર કરી લોકહિતાર્થે પગલા લેવા લખેલા પત્રની સરાહના કરી છે.

વિપક્ષ દ્વારા નહિ પરંતુ ખુદ ભાજપના જ ડે.મેયર અશોકભાઈ બારૈયાના આવા વાયરલ પત્ર ચેનલોમાં તેમના નામ સાથે ચમકતા આ બાબતે ભાવનગર રેન્જના ડીઆઈજી અશોકકુમાર યાદવનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં પોતે બહાર હોવાથી આ બાબતે વિસ્તૃત માહિતીથી વાકેફ નથી આમ છતાં તેમના ધ્યાને આ પત્રની વાત આવતા તેઓએ ભાવનગર એસ.પી.ને આ બાબતે તાકીદે તપાસ કરવા અને પગલા લેવા કડક સૂચનાઓ આપ્યાનું જણાવ્યુ છે.

અકિલા સાથેની વાતચીતમાં તેઓએ વિશેષમાં જણાવેલ કે આ મામલે જે કોઈ કસુરવાનો હશે તેમની સામે આકરા પગલા ભરવામાં કોઈ હીચકિચાટ નહિ થાય તેવુ પણ સ્પષ્ટ રીતે જણાવેલ હતું.

(11:49 am IST)