Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

તળાજાના ખેડૂત ગાંધીનગર સુધી દોડી જતા, જિલ્લા રજીસ્ટ્રારે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો અહેવાલ મંગાવ્યો

ભાવનગર, તા.૨૬: ભાવનગર જિલ્લાના તળાજાના બોડકી ગામના ખેડૂત કપાસ ભરેલી બોલેરો વાહન લઈ સીસીઆઈ દ્વારા કપાસ ખરીદવામાં આવ્યો છે તેમાં પોતે રહી ગયા છે, સીસીઆઈના ભ્રષ્ટાચારના કારણે તેવા આરોપ સાથે ગાંધીનગર સુધી રજુઆત કરવા પહોંચેલા ખેડૂતે ખળભળાટ મચી ગયો છે. જેને લઈ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા યાર્ડમાંથી અહેવાલ મંગાવતા આવતા દિવસોમા તપાસનો રેલો કયાં સુધી પહોંચે તેના પર મીટ મંડાઈ છે.

બોડકી ગામના ખેડૂત ગીગાભાઈ કાદુભાઇ આહીર બે દિવસ પહેલા ઓચિંતાજ બોલેરો કારમાં કપાસ ની ગાસડીઓ ભરી ગાંધીનગર પહોંચી ગયા હતા.તેઓની લાગણી હતીકે સચિવાલય માં કપાસ ઠાલવી રજુઆત કરવાની હતીકે તળાજામાં જે સીસીઆઈ કેન્દ્ર ફાળવવામાં આવ્યું તેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો.જેને લઈ વેપારીઓનો કપાસ ખરીદવામાં આવ્યો. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ તેવા પોતાના સહિત અનેક ખેડૂતો રહી ગયા. ગામડે થી એકલો ખેડૂત ગાંધીનગર પહોંચે તેવો આ લગભગ પહેલો બનાવ હતો.

જેના પડઘા રાજયભરમાં પડ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતુંકે ડી.આર દ્વારા તપાસ આરંભવામાં આવી છે. આ બાબતે ડી.આર એ જણાવ્યું હતુંકે કેટલા ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા હતા. કેટલા ખેડૂત નો કપાસ ખરીદવામાં આવ્યો અને કેટલા બાકી રહી ગયા. તપાસ કરી ને ગાંધીનગર અહેવાલ મોકલવામાં આવશે કે કેમ તેના સવાલ માં તેઓએ તળાજા ડે. કલેકટર ના નામની ખો આપી હતી. તપાસ તેઓ એ કરેલ છે.

યાર્ડ પ્રમુખ ભીમભાઈ પંડ્યા એ ડી.આર એ મંગાવેલ અહેવાલ બાબતે સમર્થન આપ્યું હતું.

તળાજા સ્થિત સીસીઆઈ કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે કપાસ ખેડૂતોનો ખરીદવાના મામલે થયેલ ભ્રષ્ટાચારના આરોપની તપાસ શરૂ થતાં તેનો રેલો કયાં સુધી પહોંચે તેના પર અનેક ની મીટ મંડાઈ છે.

તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમભાઈ પંડ્યા એ એક રાજકીય નિવેદન કરવાના બદલે ખુલ્લા દિલે શબ્દો ચોર્યા વગર જણાવ્યું હતું કે ખેડુતો પોતેજ પોતાના પગ પર કુહાડો મારે છે.થોડા રૂપિયા ની લાલચમાં આવી વેપારી ને પોતાના ૭/૧૨ - ૮/અ ઉપરાંત બેંક પાસ બુક અને મોબાઈલ નંબર સુધા આપી દેછે. જો એ રોકવા જઇ અને સાચું સમજાવીએ તો અળખામણાં થઈએ છીએ.

(11:20 am IST)