Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

જૂનાગઢ જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરો

કિશાન ક્રાંતિ ટ્રસ્ટ-જીલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા આવેદન

 જૂનાગઢ તા.૨૮ : કિશાન ક્રાંતિ ટ્રસ્ટ તેમજ જૂનાગઢ જિલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા કલેકટરશ્રીને આવેદપત્ર અપાયુ હતુ તેમાં રમણીકભાઇ જાની તેમજ મનીષભાઇ નંદાણીયા તેમજ ચેતનભાઇ ગઢીયા, કિશોરભાઇ પોળીયા અને પ્રવિણભાઇ પાટોળીયા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયુ છે કે, સરકારી વેબસાઇટના આંકડા મુજબ જૂનાગઢ જીલ્લામાં સરેરાશ (૧૫૭.૨૪ ટકા) વરસાદ પડેલ હોવાથી સમગ્ર જીલ્લાને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત (લીલો દુષ્કાળ) જાહેર કરવામાં આવે. જૂનાગઢ જીલ્લામાં માંગરોળ તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં (૧૪૦ ટકા) કરતા વધુ વરસાદ હોવાથી (૧૦૦ ટકા) પુરો પાકવિમો તાત્કાલીક ધોરણે ચુકવવામાં આવે. સરકારશ્રી દ્વારા ૩૭૯૫ કરોડની સહાય જાહેર કરાઇ તે ખૂબ સારી બાબત છે પરંતુ જે ખેડૂતોને (૧૩૫૦૦) હેકટર દીઠ મળવાના હતા તે ઘટાટી (૬૮૦૦) કરાયા તે નુકશાની ના પ્રમાણમાં સાવ નહિવત છે. જેનો ખેડૂતોમાં ભારોભાર અસંતોષ છે. જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

કમોસમી વરસાદ તેમજ ચોમાસુ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આર્થિક રીતે તૂટી ગયેલ હોવાથી તાત્કાલીક ધોરણે સહાય મળી રહે તેવી જોગવાઇ કરાય જેથી ખેડૂતો રવિપાકનું વાવેતર કરી શકે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની ગાઇડ લાઇનનુ સર્વે દરમિયાન ઉલ્લંઘન કરાયુ છે તેમજ સર્વે કરનાર સમિતિ દ્વારા ખેડૂતો પાસેથી કોરા ફોર્મમાં સહિઓ લઇ મનઘડત આંકડાઓ મુકવાની ઘટના બની છે તેમજ પુરી સમિતિ હાજર રહેતી નથી અને નુકશાનીનો વાસ્તવીક સર્વે થતો નથી એ બાબતે યોગ્ય કરવામાં આવે.

સરકારશ્રી દ્વારા સહાય જાહેર કરાઇ પરંતુ જે ખેડૂતોએ પાક વિમાનુ પ્રીમીયમ ભરેલ છે તેવા ખેડૂતોને વહેલી તકે (૧૦૦ ટકા) પાક વિમો ચુકવવામાં આવે. ઉપરોકત માંગણીઓ બાબત તાત્કાલીક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોની સમસ્યાઓનુ નિરાકરણ લાવવામાં આવે અન્યથા કિશાન ક્રાંતિટ્રસ્ટ કિશાન કોંગ્રેસ તેમજ ખેડૂત સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં આંદોલન કરાશે તેવી ચિમકી આપી છે.

(11:53 am IST)