Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ અને ઓખા-સોમનાથ સ્પેશ્યલ ટ્રેનમાં હંગામીધોરણે થ્રીટાયર ઈકોનોમી કોચ લાગશે

૨.૭૬ કરોડના ખર્ચે વિકસાવાયેલા આધુનિક ડબ્બામાં મુસાફરોને આરામ સાથે વિમાન મુસાફરીનો આનંદ મળશે

રાજકોટ, તા. ૨૮ :. મુસાફરોના વધતા ધસારા અને તેમની સુવિધાને ધ્યાનમા રાખી પશ્ચિમ રેલ્વે દ્વારા આધુનિક એસી થ્રીટાયર ઈકોનોમી કોચ દોડાવવાનું શરૂ કરાશે. આ નવા કોચ ટ્રેન નં. ૦૨૯૪૬/૪૫ ઓખા-મુંબઈ સેન્ટ્રલમાં ૨૯-૧૦-૨૧થી ૩૦-૧૧-૨૧ સુધી અને ઓખાથી તા. ૧-૧૧-૨૦૨૧થી ૩-૧૨-૨૦૨૧ સુધી એક એસી થ્રીટાયર ઈકોનોમી કોચ જોડવામાં આવશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૯૨૫૨/૫૧ ઓખા-સોમનાથ સ્પેશ્યલમાં ઓખાથી તા. ૩૦-૧૦-૨૧થી ૧-૧૨-૨૧ સુધી અને સોમનાથથી તા. ૩૦-૧૦-૨૧થી ૨-૧૨-૨૧ સુધી એક એસી થ્રીટાયર ઈકોનોમી કોચ દોડાવાશે.

ડીસીએમ અભીનવ જૈફના જણાવ્યા મુજબ ઈકોનોમી કોચમાં મુસાફરી દરમિયાન વિમાન મુસાફરી જેવી આરામદાયક મુસાફરી બનાવવાનો રેલ્વે દ્વારા દરેક પ્રયાસ કરવામાં આવ્યો છે. મુસાફરોના ઉપયોગ માટે વધારે એક માળની જગ્યાએ ઈલેકટ્રીક પેનલોને ફરીથી ડીઝાઈન કરવામાં આવી છે. આ દરેક કોચમાં ૮૩ બર્થ છે. જે હયાત થ્રીટાયર એસી કોચની સરખામણીએ ૧૧ વધારે છે. સીટો અને બર્થની ડીઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફાયર સેફટી અને લાઈટોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ કોચમાં મધ્ય અને ઉપલી બર્થ આરામદાયક અને એર્ગોનોમીક રૂપથી ડીઝાઈન કરવામાં આવેલી સીડી સાથે સાથે વ્યકિતગત એસી વેન્ટ, દરેક મુસાફરો માટે રીડીંગ લાઈટ અને યુએસબી ચાર્જિંગ શોકેટ પણ આપવામાં આવ્યા છે. બોટલ સ્ટેન્ડ અને ફોલ્ડેબલ સ્નેક ટેબલની સુવિધા પણ આપવામાં આવી છે. આ ડબ્બામાં દિવ્યાંગ યાત્રીકો માટે પ્રવેશ અને નિકાસની સુવિધાની વ્યવસ્થા રાખવામાં આવી છે અને એક લેટ્રીનના દરવાજા પણ દિવ્યાંગોને અનુકુળ બનાવાયા છે. યાત્રીકોને અનુકુળ ફીટીંગ સાથે લેટ્રીનને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યુ છે. જેમાં સ્વયં સંચાલીત ફાયર સેફટી સાધનો સામેલ છે. કોચમાં ચાલવાની ગલીને લ્યુમીનસેન્ટ આઈજલ માર્કર અને ઈલ્યુમીનેટેડ બર્થસાઈનથી પ્રજવલીત કરવામાં આવ્યા છે. દરેક કોચ ૨.૭૬ કરોડ રૂ.ના ખર્ચે તૈયાર થયો છે. ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની રફતારથી આ કોચ દોડવા સક્ષમ છે. કોવિડ-૧૯ પેન્ડેમીક દરમિયાન આ કોચ ડીઝાઈન કરવામાં આવ્યા છે.

એસી થ્રીટાયર ઈકોનોમી કોચનું બુકીંગ તત્કાલ ધોરણે આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે. વિસ્તૃત જાણકારી માટે www.enquiry.indianrail.gov.in સાઈટ ઉપર વિઝીટ કરો.

(3:00 pm IST)