Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

મોરબી જેલમાંથી આરોપીને ખાનગી વાહનમાં કોર્ટ લઇ જનાર બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ

વિડીયો વાયરલ થયા બાદ એસ.પી.સુબોધ ઓડેદરા દ્વારા ત્વરીત પગલા : ખાતાકીય તપાસના આદેશ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૮ : જામનગર જીલ્લાના ધ્રોલમાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો હોય જેને  જામનગર કોર્ટમાં રજુ કરવા લઇ જવાયો હતો જોકે આરોપીને સરકારી વાહન કે એસટી બસને બદલે ખાનગી ફોર્ચ્યુંનર કારમાં લઇ જવાનો વિડીયો વાયરલ થતા બનાવની ગંભીરતા પારખી મોરબી જીલ્લા એસપીએ હેડ કોન્સ્ટેબલ સહિતના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.

ઙ્ગજામનગર ટોલનાકા કામ બાબતે ગત તા. ૦૬ માર્ચ ૨૦૨૦ ના રોજ ધ્રોલમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હતી ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજા નામના ૨૯ વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરાઈ હોય જે મામલે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ આરોપીને ઝડપી લેવાયા હતા જે હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજા ગઈકાલે મોરબીથી જામનગર કોર્ટમાં મુદત હોવાથી લઇ જવામાં આવ્યા હતા જોકે આરોપીને સરકારી વાહનને બદલે ખાનગી ફોર્ચ્યુનર કારમાં લઇ જવાયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થવાને પગલે ચકચાર મચી હતી અને આરોપી ઓમદેવસિંહ જાડેજાને ખાનગી કારમાં લઇ જવા ઉપરાંત આરોપીના હાથમાં હાથકડી પણ જોવા મળી ના હતી અને વીઆઈપી સગવડ આપવામાં આવી હોય જેની ગંભીર નોંધ લઈને મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરા દ્વારા હેડ કોન્સ્ટેબલ રાજેશ અને લોક રક્ષક જવાન જગદીશ એમ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(12:37 pm IST)