Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પક્ષ પલ્ટાની પ્રવૃત્તિ પ્રજા, મતદારો અને લોકશાહી માટે કલંકરૂપ : ભીખાભાઇ બાંભણીયા

'આયારામ-ગયારામ' મુદ્દે આક્રોશ ઠાલવતા જસદણના પૂર્વ ધારાસભ્ય

રાજકોટ, તા.ર૮ : જસદણ પૂર્વ ધારાસભ્ય તથા જસદણ માર્કેટીંગ યાર્ડ અને રાજકોટ ડેરીના ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, દરેક વખતે રાજયસભા, લોકસભા, ધારાસભા કે સ્વાયત સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે ત્યારે આયારામ-ગયારામની મોસમ પૂરબહારમાં ખીલે છે. રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલ ધારાસભ્યોને ફરીથી ચૂટણી લડાવીને મીનીસ્ટર બનાવી શકાય છે. આ પક્ષ પલટાની પ્રવૃત્તિ પ્રજા, મતદારો તથા લોકશાહી માટે કલંકરૂપ છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પાસે ઘણા સમયથી સતા નથી જેથી કોઇ હોદ્દા કે પદ તેમજ અન્ય કોઇ લાભ મળી શકે તેમ નથી. જેથી સતાલાલસુ ગણી શકાય તેવા હોદ્દેદારો જ નીતિ નિયમો તથા પક્ષની વફાદારીની અવગણના કરી ફકત પોતાના અંગત સ્વાર્થ માટે જ પક્ષ પલટા કરે છે.

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનારા એક જ વાત કરે છે કે અમારા કોઇ કામ થતા નથી અને કોંગ્રેસ અમારી પ્રત્યે દુર્લક્ષ સેવે છે, પરંતુ કોંગ્રેસ તરફથી શું અન્યાય થાય છે તે જણાવતા નથી. તમો શું કામ કરવા માગતા હતાં અને નથી થયા તેવા કામોની વિગત (યાદી) પ્રજા સમક્ષ જણાવો અને આ બધા કામો ભાજપમાં ગયા પછી પુરા કરવાના છે તેની શું ખાત્રી, માટે મતદારોએ જાગૃત થવાની જરૂર છે. આ ચૂંટણી વ્યવસ્થા માટે સરકારને જે કાંઇ ખર્ચ થાય છે આ પેટાચૂંટણી કરાવનારા ધારાસભ્યો પાસેથી વસુલ કરવો જોઇએ.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે, હાલની પક્ષ પલટાની પ્રવૃત્તિ કોઇ પણ સંજોગોમાં વ્યાજબી નથી. કોઇપણ પક્ષ પોતાની સત્તા વધારવા, મજબૂત કરવા પક્ષ પલટાની પ્રવૃત્તિ કરે એ લોકશાહી માટે ખતરારૂપ છે.

ભાજપ પક્ષ સત્તાની લાલસાએ પક્ષના દરેક પ્રકારના નિયમો સિદ્ધાંતો અને વફાદારીનો ખુલ્લેઆમ દ્રોહ કરી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના આગેવાનો ચૂંટણી વખતે પ્રચારમાં મરજીમાં આવે તેવા આક્ષેપો તથા નિવેદનો કરી પ્રજાને, મતદારોને ગુમરાહ કરે છે.

તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું.

(3:01 pm IST)