Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ગિરનાર રોપ-વે ટીકીટનો ભાવ ઘટાડવા બુલંદ માંગણીઃ ધીરૂભાઇ ગોહેલની રજુઆત

૪ વ્યકિતનો પરિવાર જાય તો રૂ. ૩૩૦૪ થાય જે સામાન્ય વર્ગને પરવડે તેમ નથીઃ વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા મેયર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૮: ગિરનાર રોપ-વે ટીકીટના દર મુદ્દે ભારે રોષ છવાયો છે અને આ ટીકીટના દર ઘટાડવા મુદ્દે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહીતના  સમક્ષ રજુઆત કરવામાં આવી છે. ત્યારે જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે પણ ગિરનાર રોપ-વેના ટીકીટના દર ઘટાડવા મુદ્દે માંગ કરવામાં આવી છે.

મેયર ધીરૂભાઇ ગોહેલે વધુમાં જણાવ્યું છે કે જુનાગઢ ગીરનાર રોપ-વેઉદઘાટન બાદ તુરત જ કાર્યરત થયેલ છે અને યાત્રાળુઓ, પર્યટકો અને જુનાગઢવાસીઓ માં અંબાના દર્શન કરતા થયા છે અને કુદરતી સૌંદર્ય નિહાળતા થયા છે એટલે જુનાગઢએ તા.ર૪-૧૦-ર૦ર૦નો ઉદઘાટનનો દિવસ ઉત્સવની જેમ મનાવ્યો છે.  આ રોપ-વે કાર્યરત થતા લોકો રોપ-વે સ્થળે, ભવનાથ તળેટીમાં પહોંચે છે. પરંતુ ટીકીટના દર જોતા ઘણા યાત્રાળુઓ આ દર નહી ભરી શકવાના કારણે પરત આવે છે.ગુજરાતના અન્ય રોપ-વેની સરખામણીમાં અથવા તેની લંબાઇના પ્રમાણમાં એવરેજ ટીકીટનો દર ઘણો ઉંચો છે. જે સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી ટીકીટના દર રૂ. ૭૦૦ + ૧ર૬ જીએસટી મળી કુલ રૂ). ૮ર૬ એક ટીકીટના થાય છે. ખરેખર એક ફેમીલી પતિ-પત્નિ તથા તેના બે સંતાનો મળી કુલ ૪ વ્યકિતનો પરીવારને જવુ હોય તો રૂ.૩૩૦૪  થાય છે તે સામાન્ય વર્ગને પરવડે તેમ નથી તો ટીકીટના દર ઘટાડવા લોકોની લાગણી અને માંગણી છે જે વ્યાજબી જણાય છે.

ઉષા બ્રેકો કંપની સાથે પરામર્શ કરી ટીકીટના દર વ્યકિત દીઠ રૂ.૪૦૦ આસપાસ રહે તે અંગે યોગ્ય કરવા મેયર ધીરૂભાઇ ગોહેલે રજુઆતના અંતમાં જણાવ્યું છે.

આ ઉપરાંત જુનાગઢનાં કેલૈયા મિલન પ્રફુલભાઇ અને ખીમજીભાઇ લક્ષ્મણભાઇ રામ સહીતનાએ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને ભાવ   ઘટાડવા માંગ કરી છે.  તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં ઉષા બ્રેકો કંપની તરફથી ૭૦૦ રૂપીયા નક્કી કરીને હાલમાં લેવામાં આવી રહયા છે. તેમજ આગામી થોડા દિવસો બાદ આ ટીકીટના ભાવ વધુ એક વધારો કરવામાં આવશે એવુ પણ જાણવા મળી રહયું છે. આગામી સમયમાં ટીકીટનો નવો ભાવ ૭૦૦ રૂપીયા તેમજ ૧૮ ટકા જીએસટી એટલે કે કુલ ટીકીટ ૮ર૬ રૂપીયા થાય છે જે ૮ર૬ રૂપીયા આગામી થોડા દિવસ પછી લેવામાં આવશે એવી ઉષા બ્રેકો કંપની તરફથી જાહેરાત કરી છે. આ અસહ્ય ટીકીટ હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.વધુ ભાવ હોવાથી રોપ-વેની મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થવાની શકયતાઓ રહેલી છે જે બે દિવસમાં જોવા પણ મળી રહયું છે. હાલમાં જે ભાવ લેવામાં આવી રહયો છે તે જોતા ઘણા પ્રવાસીઓ, યાત્રાળુ તેમજ શ્રધ્ધાળુઓ રોપ-વે પર જતાની સાથે જ ટીકીટનો ભાવ સાંભળીને નિરાશ થઇને પરત ફરી રહયા છે. ભાવ વધુ હોવાથી પ્રવાસીઓની સંખ્યા ઓછી આવશે અને સ્થાનીક રોજગારીઓને કોઇ ફાયદો થાય એવું જોવા મળતું નથી.

જુનાગઢ શહેરમાં ગિરનારની ગોદમાં અને ડુંગરની રળીયામણા નઝારા વચ્ચે એશીયાનો સૌથી ઉંચો પ્રોજેકટ રોપ-વે બનતાની સાથે સ્થાનીક લોકો ખુશી અને ગર્વની લાગણી અનુભવી રહયા છે ત્યારે જુનાગઢ શહેરમાં રોપ-વે હોવાથી જુનાગઢ શહેરીજનોની પણ માંગ છે કે જુનાગઢ શહેરમાં વસતા લોકો માટે ટીકીટમાં રાહત આપવામાં આવે તેવો પણ વિચાર કરવો જોઇએ. રોપ-વેના ટીકીટ દર ઉંચા હોવાથી રૂપીયાવાળા માટેનો જ રોપ-વે પ્રોજેકટ અને એમના સુવિધા માટેનો જ દેખાય રહયો છે. આમ ઉંચા ભાવથી હાલમાં જુનાગઢ શહેર સુવિધાથી વંચીત રહે છે તેમજ રોજગારમાં કઇ એવો ફાયદો જોવા મળતો નથી. જેથી જુનાગઢને ઉંચા ટીકીટના ભાવથી નુકશાન જોવા મળી રહયું છે.

ભવનાથમાં પરીક્રમા તેમજ શિવરાત્રી મેળો (મીની કુંભમેળો) યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે જેથી રોપ-વે સુવિધાનો જેમ બને એમ વધુમાં વધુ લોકો લાભ લઇ શકે અને માં અંબાજી માતાજીના દર્શન કરવાનો લાહવો રોપ-વેમાં બેસીને દર્શન પુર્ણ કરવાની ઇચ્છા ઘણા યાત્રાળુઓ, શ્રધ્ધાળુઓ, ભકતોની પોતાની ઇચ્છા હોય છે એ પુર્ણ થઇ શકે તેમ રજુઆતના અંતમાં જણાવ્યું છે.

(11:22 am IST)
  • ' વૃંદાવનમાં બાંકે બિહારીનો જયજયકાર ' : દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં આજથી વધારો કરાયો : દરરોજ બે હજાર ભક્તોને બદલે હવેથી અઢી હજાર ભક્તો દર્શન કરી શકશે : દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 2:05 pm IST

  • બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં શાહપુર બેઠક ઉપર મતદાન સમયે મારામારી : રાજદ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો બાખડ્યા : એક મહિલા સહીત 6 લોકો ઈજાગ્રસ્ત : નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 6:50 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST