Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ચોટીલાની જ્યોતિનગર સોસાયટીને ધમરોળતી તસ્કર ટોળી : ચાર મકાનો તૂટયા

ચોટીલા તા. ૨૮ : ચામુંડાઘામ ચોટીલા શહેરમાં નેશનલ હાઇવે ઉ૫રનો સોસાયટી વિસ્તાર રેઢૂ ૫ડ જેવો બની ગયેલ છે.એક સાથે ચાર મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના સહિત મોટી રકમ ની ચોરી કરી કરી જતા સોસાયટી વિસ્તારના લોકોમાં તસ્કર ટોળીનો ફફડાટ ફેલાયેલ છે.

જાણવા મળ્યા મુજબ ચોટીલા નેશનલ તેમજ થાનગઢ હાઇવે ઉ૫ર અનેક સોસાયટી વિસ્તાર આવેલ છે. શહેરના આ છેવાડાના વિસ્તારોમાં નાઇટ પોલીસ પેટ્રોલીંગ કાગળ ઉપર હોવા છતા ચોરીના બનાવો બને છે. રવીવારના સવારે જયોતિ નગરમાં ચાર મકાનો તુટયાની જાણ થતા લોકોમાં ચોર ટોળીનો ભય ફેલાયો છે.

જયોતિનગર સોસાયટીમાં લીલાબેન દિનેશભાઇ, નરેશભાઇ, નીલેશભાઇ પટેલ અને જગદિશભાઇ ઘોરીયાના મકાનોમાં તરખાટ મચાવ્યો છે. ચારમાંથી બે મકાનોમાં તાળા તોડી કબાટ તિજોરી સહિતનો સામાન રફેદફે કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતના મુદામાલની ચોરી કરી ગયેલ છે.

ચાર પૈકી બે મકાનામાં સદનસીબે તસ્કરોને કંઇ હાથ લાગેલ નથી ૫રંતુ બે મકાનમાં રોકડ અને દાગીનાની ચોરી કરી જવામાં ટોળી સફળ રહેલ છે હાલ આ ચોરી અંગે ચોટીલા પોલીસમાં કોઇ ગુનો દાખલ થયેલ નથી ફરીયાદ લેવા અંગે તજવીજ ચાલુ છે. ત્યારે ચોટીલા પોલીસનું નાઇટ પેટ્રોલીંગ ફકત કાગળ ઉપર રહેતુ હોવાથી તસ્કરો તેનો ફાયદો ઉઠાવતા હોવાનું કહેવાય છે ત્યારે નવા આવેલ ઇન્ચાર્જ પીઆઇ દેસાઇને ચોરી કરીને તસ્કરોએ પડકાર ફેકેલ છે.

(12:06 pm IST)