Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પગાર વધારો સરકાર અને સ્વીકારનાર ધારાસભ્યો બંન્ને માટે શરમજનકઃ ભીખાભાઇ બાંભણીયા

જસદણ તા.૨૮: રાજય સરકાર દ્વારા દર મહિને વિધવા પેન્શનરૂપે રૂ. ૭૫૦ અને બે બાળકોનાં ૧૦૦-૧૦૦ રૂપિયા મળીને કુલ રૂપિયા ૯૫૦ તેમજ નિઃસંતાન વૃદ્ધાને દર મહિને ચુકવવામાં આવતા પ૦૦ રૂપિયા ચૂકવવામાં પણ અખાડા કરવામાં આવે છે અને મોટા ભાગે આ રકમ સમયસર ચૂકવવામાં આવતી પણ નથી ત્યારે તાજેતરમાં ધારાસભ્યો અને મંત્રીઓના પગાર ભથ્થામાં ''દલા તરવાડી'' વાળી કરવામાં આવી છે તે સરકાર અને આ વધારો સ્વીકારનાર ધારાસભ્યો બંને માટે શરમજનક છે. મોંઘવારી ફકત અધિકારીઓને  અને પદાધિકારીઓને જ નડે છે અને આમજનતાને કોઇ મુશ્કેલી નથી તેવું આ વધારાથી સ્પષ્ટ થાય છે. તેવો આક્રોશ જસદણનાં પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાભાઇ  બાંભણીયાએ એક નિવેદનમાં કર્યો હતો.

શ્રી ભીખાભાઇ બાંભણીયાએ નિવેદનમાં ઉમેર્યુ હતું કે, દેશની આઝાદી વખતે રજવાડાઓએ પોતાની મિલ્કત દેશને અર્પણ કરી હતી જેની સામે સાલીયાણાનાં રૂપમા તેમને વળતર ઠરાવાયું હતું. સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ રકમ આપવાનું બંધ કરાવ્યું પરંતુ આજે જરા જુદી રીતે વહીવટકર્તાઓને સાલીયાણા બાંધી આપવામાં આવ્યા છે. એક તરફ સરકાર કરજદાર છે આમ જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પિસાઇ રહી છે ત્યારે વહીવટકર્તાઓએ ''રીંગણા લઊં બે-ચાર'' ની જેમ લાભ મેળવી લીધા તે અયોગ્ય છે. વાસ્તવમાં તો સરકારે ખોટા મેળાવડાઓ -ઉત્સવો અને ઉદ્દઘાટનોનાં તાયફાઓ બંધ કરીને કરકસર કરવી જોઇએ અને પ્રજાનાં પૈસા વેડફાઇ નહિ તેનો ખ્યાલ રાખવો જોઇએ.

શ્રી ભીખાભાઇ બાંભણીયાએ નિર્દેશ કર્યો હતો કે, આમ પણ ધારાસભ્યો એ સરકારી કર્મચારીઓની વ્યાખ્યામાં આવતા નથી તેથી ખરા અર્થમાં તો તેઓ કોઇપણ પ્રકારનું વેતન કે પગાર સહિતની સવલતો મેળવી શકે નહિ તેવી જોગવાઇ થવી જોઇએ. અલબત, ધારાસભ્યનાં સત્ર દરમ્યાન ગૃહમાં કે ગૃહની કોઇ કામગીરીમાં હાજરી આપવાનું થાય ત્યારે જ સિટીંગ ફી, વાહનભથ્થુ કે જરૂરી સવલતો આપી શકાય. મોટાભાગનાં ધારાસભ્યો તથા સાંસદસભ્યો કરોડો રૂપિયાનાં આસામી છે. તેમને સગવડ ન આપવામાં આવે તો પણ તેઓ ચૂંટણી લડવા તત્પર છે. સરકાર જો આમજનતાનો મળતી સવલતોમાં ફેરફાર કરી શકે કે બંધ કરી શકે તો ધારાસભ્યોને મળતી વધારાની સવલતો પણ બંધ થવી જોઇએ.

ધારાસભ્યોને સદસ્ય નિવાસમાં રહેવાની, ટેલિફોનની તેમજ પિયુન વગેરેની સવલતો મળે જ છે. તે જ રીતે મંત્રીઓને પણ વાહન, બંગલા, કમાન્ડો સહિતના ભથ્થાઓ આપવામાં આવે જ છે ત્યારે મંત્રીઓનો પગાર ૮૬,૮૦૪/- માંથી વધારીને ૧,૩૨,૩૯૫/- તેમજ ધારાસભ્યોનો પગાર ૭૦,૭૨૭/- માંથી વધારીને ૧,૧૬,૩૧૬/- જાતે નક્કી કરવામાં આવ્યો છે તે પ્રજાદ્રોહ છેે. આશ્ચર્યની વાત એ છે કે આ પગારબીલમાં ૭,૦૦૦/- રૂપિયાનાં ટેલિફોન ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આજે દરેક મોબાઇલ કંપનીઓ ૧૫૦ રૂપિયામાં સમગ્ર મહિનો અનલિમિટેડ ફોન કરવાની સગવડ આપે છે ત્યારે આ વધારો લૂંટ સિવાય બીજું કશુ નથી તેમ શ્રી ભીખાભાઇ બાંભણીયાએ ઉમેર્યુ હતું.

(3:30 pm IST)