Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

મોરબીમા પતિએ નવો મોબાઇલ લેવાની ના પાડતાં સગર્ભાએ પાડા પુલ પર ચાલુ રિક્ષાએ છલાંગ મારી

નર્સ તરીકે નોકરી કરતી પ્રિતીબેન મકવાણાને સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૮: મોરબીમાં રહેતી અને નર્સ તરીકે નોકરી કરતી વાલ્મિકી સગર્ભાને પતિએ નવો મોબાઇલ ફોન લેવાની ના પાડતાં ગુસ્સો ચડતાં તેણે ચાલુ રિક્ષામાંથી પાડા પુલ પરથી છલાંગ મારતાં મુંઢ ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સદ્દનસિબે તેના ગર્ભમાં રહેલું બાળક સહીસલામત હોવાનો રિપોર્ટ આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ મોરબી રોહીદાસપરામાં ગુલાભાઇની પાનની દુકાનવાળી શેરીમાં રહેતી અને મોરબીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી પ્રિતીબેન સંજય મકવાણા (ઉ.૨૧) સાંજે સાડા ચારેક વાગ્યે હોસ્પિટલ પાસેથી રિક્ષામાં બેઠી હતી અને પાડા પુલ આવતાં ચાલુ રિક્ષામાંથી છલાંગ મારી દેતાં છાતી, કમર અને પગમાં મુંઢ ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પ્રિતીબેનના કહેવા મુજબ તેના માવતર કોડીનારના કડોદરા ગામે રહે છે અને પિતાનું નામ દેવાભાઇ પરમાર છે. તેણીના લગ્ન બે વર્ષ પહેલા સંજય ચકાભાઇ મકવાણા સાથે થયા છે. સંજય શ્યામ હોસ્પિટલ નીચે આવેલી લેબોરેટરીમાં નોકરી કરે છે. પ્રિતીબેને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તેને સારા દિવસો જઇ રહ્યા છે, પેટમાં પાંચ માસનો ગર્ભ છે. તેણીને નવો મોબાઇલ ફોન લેવો હોઇ તે બાબતે પતિ સાથે ચડભડ થતાં ગુસ્સો ચડતાં આવું કર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:48 am IST)