Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

માત્ર ઝાપટાથી લોકોમાં ચિંતા : બફારો ઘટયો : પવનના સૂસવાટા

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપછાંવ : વાવણી લાયક ધોધમાર વરસાદની રાહ જોતા ખેડૂતો

અમરેલી : તસ્‍વીરમાં અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્‍તા ઉપરથી પાણી ફરી વળ્‍યા હતાં જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : અરવિંદ નિર્મળ-અમરેલી)

રાજકોટ, તા. ર૮ : રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે અને વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

દરરોજ ધુપ-છાંવના માહોલ સાથે અચાનક વાદળા છવાઇ જાય છે તો અચાનક આકરો તાપ અનુભવાઇ રહ્યો છે આવા વાતાવરણ વચ્‍ચે પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે તેમ છતાં બફારાનું પ્રમાણ યથાવત છે. ગઇકાલે અમરેલી, મોરબી, પ્રાંચી તિર્થ સહિત અનેક વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્‍યો હતો.  માત્ર ઝાપટા રૂપે વરસાદ વરસતા ધોધમાર વરસાદની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે અને ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ વરસે તેની રાહ જોઇ રહ્યા છે.

ઉના

ઉના : ઉનામાં ગઇકાલે સવારે તથા રાત્રીના ઝાપટા પડી જતાં અર્ધો ઇંચ વરસાદ પડી ગયો છે. આજે સવારે વાદળીયું વાતાવરણ છે.          ભાવનગર

ભાવનગર : ભાવનગર જિલ્લામાં વરસાદી વાતાવરણમાંની સાથે જ મધ્‍યમ તાપમાનઉંચકાઇને ૩૮.૬ ડીગ્રી પાર કરતા ગરમી અને ભેજનું પ્રમાણ વધ્‍યું છે. દરમ્‍યાન ભાવનગરમાં ૪૦ ીક.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.

ભાવનગર જીલ્લામાં શનિ-રવિ બે દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ જીલ્લામાં ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદની આગાહી દરમ્‍યાન જ વરસાદી માહોલ પણ વિખેરાઇ ગયો હતો અને મધ્‍યમ તાપમાન ફરી વધતા ગરમીનું જોર વધ્‍યું હતું. આજે ભાવનગર શહેરનું મધ્‍ય તાપમાન ૩૮.૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા પવનની ઝડપ ૪૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

જામનગર : તાપમાન ૩૬ મહત્તમ, ર૮.૧ લઘુતમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૦.૬ કીમી પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:49 am IST)