Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ભાવનગરમાં બાળક ચોર ગેંગ સમજીને ટોળાએ ૨ ભિક્ષુકોને લમધાર્યા

કરચલીયાપરામાં મહિલાને અને ઘોઘા રોડ ઉપર ભિક્ષુક યુવકને માર મારીને પોલીસને સોંપ્‍યો : સોશ્‍યલ મિડીયામાં ફેલાવતી અફવાથી દુર રહેવા અપીલ

ભાવનગર તા. ૨૮ : ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સોશ્‍યલ મિડીયા પર બાળકોને ઉઠાવી જતી ગેંગ બાબતે સાચા-ખોટા મેસેજ અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ મેસેજના કારણે લોકોમાં પોતાના બાળકોને લઇ ભય ફેલાયો છે અને જાગૃતતા પણ આવી છે પરંતુ લોકો દ્વારા ફકત શંકાના આધારે કોઇને પકડી ઢોર માર મારવામાં આવે છે.

જેના કારણે અમદાવાદમાં એક ભિક્ષુક મહિલાનું મોત નિપજ્‍યું છે. લોકોમાં બાળકોને લઇ જાગૃતતા આવીએ એક સારી વાત છે પણ કોઇને શંકાના આધારે પકડી તેની પૂછપરછ કરી પાકી ખરાઇ કરી બાદ સ્‍થાનિક પોલીસને સોંપી દેવું વધારે હિતાવહ કહેવાય નહી કે ટોળા એકઠા થઇ કોઇ નિર્દોષને માર મારવો.

ભાવનગર શહેરમાં બાળકોને ઉપાડી જનાર મહિલા ગેંગ સક્રિય થઇ હોવાની વાત વાયુવેગે શહેરભરમાં ફેલાઇ છે. જેનાથી લોકોમાં પોતાના બાળકોને લઇ ભયનો માહોલ છવાયો છે. સોમવારે તળાજા પંથકમાં ત્રણ ભિક્ષુકો ટોળાને ઝપટે ચડયા હતા. જ્‍યારે બોટાદમાં પણ એક મહિલા ભિક્ષુકને લોકોએ ઢીબી નાખી હતી તેમજ કુંભારવાડા વિસ્‍તારમાં વાલીઓ આવી અફવાના કારણે શાળાએ દોડી ગયા હતા અને પોતાના બાળકો સ્‍કુલે છે કે કેમ તેની ખરાઇ કરી હતી. જેમાં આજરોજ શહેરમાં બે બનાવ બનવા પામ્‍યા છે. શહેરના કરચલીયાપરા વાલ્‍કેટ ગેટ નજીક લોકોના ટોળા એક મહિલા ભિક્ષુકને શંકાના આધારે અટકાવી તેની પાસે રહેલા થેલાની ચકાસણી કરી તેને માર મારી પોલીસને જાણ કરી સોંપી દીધી હતી. જે અંગે લોકસંસાર'ની ટીમ દ્વારા પોલીસમાં ખરાઇ કરતા તે મહિલા અસ્‍થિર મગજની અને ભિક્ષુક હોવાનું પોલીસે જણાવ્‍યું હતું અને શહેરના ઘોઘા રોડ પર સાંજના સુમારે લોકોએ એક યુવાનને શંકાના આધારે ઝડપ્‍યો હતો અને ટોળાએ ઢોર માર માર્યો હતો. કોઇ પણ જાતની ખરાઇ કે પૂછપરછ વગર યુવાનને માર મારી સ્‍થાનિક પોલીસને સોંપી દીધો છે. જે બાબતે પોલીસમાં તપાસ કરતા કોઇ પરપ્રાંતિય હોવાનું અને અલગ ભાષામાં વાત કરતો હોવાનું જણાવ્‍યું હતું. સોશ્‍યલ મિડીયા પર આવતા વિડીયો કે મેસેજની ખરાઇ કર્યા વગર કોઇએ ફોરવર્ડ ન કરવા જોઇએ તેમજ અફવાઓ ન ફેલાવી જોઇએ તે કાયદામાં જોગવાઇ છે. આ બાબતે પોલીસ તંત્ર સક્રિય રીતે પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આવા ખોટા મેસેજ કે વિડીયોથી લોકોમાં ભયનો માહોલ ઉભો થાય છે. શહેરમાં બનેલા આજરોજ બે બનાવમાં લોકોએ મોબાઇલ ફોન પર મહિલા ભિક્ષુક અને પરપ્રાંતિય યુવાનો વિડીયો - ફોટા પાડી સોશ્‍યલ મિડીયા પર વાયરલ કર્યા હતા અને મેસેજમાં લખ્‍યું હતું કે, છોકરા ઉપાડી જતી ગેંગ ઝડપાઇ. જે મેસેજ તદ્દન ખોટા છે. જે અંગે પોલીસ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(11:48 am IST)