Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સોરઠમાં હળવા-ભારે ઝાપટા

જુનાગઢ, તા. ર૮ : જુનાગઢમાં સવારે અમુક વિસ્‍તારોમાં જ હળવા વરસાદના ઝાપટા વરસ્‍યા હતાં. આમ બીજા દિવસે પણ મેઘાની વહાલા-દવલાની નીતિ રહી હતી.

ચોમાસુ શરૂ થઇ ગયું છે, પરંતુ મેઘરાજા હજુ મન મૂકીને વરસવાનું નામ લેતા નથી. ગઇકાલની માફક આજે સવારે પણ જૂનાગઢમાં વરસાદી છાંટા વરસ્‍યા હતાં.

શહેરમાં મોતીબાગ, સરદાર બાગ, બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં સવારે હળવી મેઘ મહેર થઇ હતી.  હળવો વરસાદ હતો, પરંતુ અહીંથી જાગનાથ મંદિર, જલારામ સોસાયટી, જયશ્રી રોડ, કાળવા ચોક અને એમ.જી. રોડ વિસ્‍તારો કોરા ધાકોડ રહ્યા હતાં.

જયારે સવારે મેઘકૃપા થઇ ત્‍યાં રસ્‍તા ભીના થયા હતા. આ પછી ધુપછાંવ વાતાવરણ થઇ ગયું હતું. ચોમાસાના પ્રારંભે મેઘાની માત્ર હાઉકલીથી લોકોમાં નિરાશા પ્રવર્તે છે.  આજે સવારે પૂરા થયેલા ર૪ કલાક દરમ્‍યાન સોરઠના કેશોદ ખાતે ૧પ મીમી, જુનાગઢ ૩, માળીયા હાટીના ૧૦, માંગરોળ-બે, મેંદરડા ૧૧ અને વિસાવદર ખાતે ૩ મીમી મળી કુલ ૪૮ મીમી વરસાદ નોંધાયો હતો.

આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૭.૬ ડીગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૧ કીમીની રહી છે.

(11:46 am IST)