Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ગરીબ પરિસ્‍થિતિના કારણે સ્‍કુલ યુનિફોર્મ પહેરેલ ન હોવાથી શિક્ષક મારશેના ફફડાટે બે વિદ્યાર્થીઓએ અપહરણનું કર્યું નાટક

બંને વિદ્યાર્થીઓ બગદાણા નજીકની મોણપર સરકારી પ્રા. શાળાના વિદ્યાર્થીઃ તળાજાના પિપરલા ગામના વિદ્યાર્થીએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો ગારીયાધારના વિદ્યાર્થીએ માતા-પિતા બંનેની : બંને માતા-ફઇના

ભાવનગર તા. ૨૮ : રાજ્‍યભરમાં વર્તમાન સમયે બાળકો ઉઠાવી જવાની અફવાઓએ ભારે જોર પકડયું છે ત્‍યારે આજે તળાજાના પીપરલા ગામના દલીત પરિવારના બે બાળકોના સવારે અપહરણ થયા હતા અને પોતે અપહરણકારોના વાહનમાંથી ભાગી બચી ગયા છે. તળાજાની સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્‍યા છેની વાતે બપોરના સમયે ખળભળાટ મચાવી દીધી હતી.

બાળકોના પરિવારજનો દ્વારા અપહરણકર્તાઓ વિરૂધ્‍ધ પોલીસ ફરીયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે તળાજાના એ.એસ.આઇ. યુ.કે.વોરા, હઠીસિંહ, શકિતસિંહ વાળા સહિતનો ડી-સ્‍ટાફ હોસ્‍પિટલ ખાતે તપાસ અર્થે દોડી આવ્‍યો હતો.

પોલીસે જણાવ્‍યું હતું કે, નિકુલ વેલજીભાઇ કંટારીયા (ઉ.વ.૧૫) રે. ગારીયાધાર જે ધોરણ ૮માં અભ્‍યાસ કરે છે તથા રૂદ્ર જીતુભાઇ ગળચર (ઉ.વ.૧૨) જે ધો. ૭માં અભ્‍યાસ કરે છે. જે મૂળ તળાજાના પીપરલા ગામનો રહેવાસી છે. મામા-ફઇના ભાઇઓ થાય છે.

બંને પોતાના નાના-દાદા સાથે બગદાણા નજીકના મોડાપર ગામે આવેલ ભીમભાઇ આહિરની વાડીમાં રહે છે. પરિવારજનો અહીં ખેત મજૂરી કરે છે. રૂદ્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્‍યારે નિકૂલના પિતાના અવસાન બાદ માતા પણ ચાલી ગયા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીઓએ સવારે ૭ કલાકે વાડીએથી સ્‍કુલ તરફ જતા હતા ત્‍યારે રસ્‍તામાં વાનમાં આવેલ એક શખ્‍સે જેમણે બુકાની જેવું બાંધ્‍યું હતું તેમણે મોં દબાવી, કંઇક સુઘાડી, બેભાન કરી બંનેનું અપહરણ કર્યું હતું.

બપોરના ૧૧ કલાકે તળાજાની રોયલ ચોકડી પર ગાડી ઉભી હતી ત્‍યારે ભાનમાં આવ્‍યા હતા. આ સમયે ગાડીમાં કોઇ ન હોઇ બંને પોત-પોતાના દફતર લઇ ભાગી છૂટવામાં સફળ થયા હતા. વાહનમાં બેસી પીપરલા ગામે પહોંચી ગયા હતા. ઘેર જઇ પોતાનું અપહરણ થયા હોવાનું જણાવ્‍યું હતું.

પરંતુ પોલીસને બંને બાળકોની વાતમાં દમ ન લાગતા પરિવાર અને ગ્રામજનોની સાથે બુધ્‍ધીપૂર્વકની પૂછપરછ કરતા બંને બાળકોને અલગ-અલગ લઇ પૂછવામાં આવતા જાણવા મળ્‍યું હતું કે સ્‍કુલમાં યુનિફોર્મ પહેરીને જવાનો હતો. બંને પાસે સ્‍કૂલ યુનિફોર્મ હતો નહી. શાળા દ્વારા આપવામાં આવ્‍યો ન હતો. ગરીબ પરિસ્‍થિતિ છે સ્‍કુલ યુનિફોર્મ ન પહેરવાના કારણે શાળાના એક શિક્ષક ખૂબ મારે છે તે મારશે તેના ડરથી આખી સ્‍ટોરી ઉભી કરી હતી.

બનાવના પગલે તળાજા પોલીસે વિદ્યાર્થીના પરિવારજનોનું નિવેદન લઇ જવા દિધા હતા.

(11:43 am IST)