Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

નકલી રેમડેસિવિરથી આડઅસર કે મૃત્યુ નીપજ્યું હોય તો પોલીસને જાણકારી આપવા અનુરોધ

આઠ આરોપીના નામ જાહેર કરી તેઓ પાસેથી નકલી ઇન્જેક્શન ખરીદી કરનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ

મોરબી : મોરબી પોલીસે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી નહિ બલ્કે દેશવ્યાપી કૌભાંડ ઝડપી લીધું છે ત્યારે આ નકલી ઇન્જેક્શનથી કોઈ પણ દર્દીને આડઅસર થઈ હોય કે કોઈ દર્દીનું મૃત્યુ નીપજ્યું હોય તો આવા કિસ્સામાં લોકોને જાગૃત બની કૌભાંડકારોને આકરી સજા મળે તે હેતુથી ફરિયાદ કરવા આગળ આવવા તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
 મોરબી જિલ્લા પોલીસે જિલ્લામાંથી ડુપ્લીકેટ રેમડેસિવીર ઇન્જેક્શન બનાવતા, વેંચતા શખ્સોને ઝડપી પાડી રાજ્ય અને આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની તપાસમાં મોરબી, અમદાવાદ, કડી, મહેસાણા, પાટણ, પાલનપુર, સુરત, જબલપુર, ઇન્દોર સહિતના વિસ્તારોમાં નકલી ઇન્જેક્શનો વેચ્યા હોવાની હકીકત સામે આવી હતી.
  આ ઇન્જેક્શનો ખરીદનાર દર્દીઓ સ્વસ્થ થયા, વધુ બીમાર થયા કે અવસાન પામ્યા એ હકીકતનાં મૂળ સુધી પહોંચવાની પોલીસે કવાયત હાથ ધરી છે. જેથી, આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવાઓને લઈને કેસ મજબૂત બને તથા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આવા તત્વોને કાયદાકીય પ્રક્રિયા મુજબ સખ્ત સજા અપાવી શકાય. જો કોઈ દર્દીના પરિજનોએ ઝડપાયેલા આરોપીઓ પાસેથી અસલી સમજીને નકલી રેમડેસિવીર ઇન્જેક્શન ખરીદ કર્યા હોય તેઓ પોલીસનો સંપર્ક કરી શકે છે. આ માટે મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02822 243478 અથવા મોબાઈલ નંબર 7433975943 પર સંપર્ક કરવાનું એક યાદીમાં જણાવાયું છે.
  મોરબી પોલીસ દ્વારા નકલી ઇન્જેક્શન કૌભાંડમાં રાહુલ અશ્વિનભાઈ લુવાણા મોરબી, રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ લુવાણા મોરબી, મહમદ આશીમ ઉર્ફે મહમદઆશીફ મહમદઅબ્બાસ શેખ અમદાવાદ, જુહાપુરા, રમીઝ સૈયદ હુશેન કાદરી અમદાવાદ, જુહાપુરા, ફહીમ ઉર્ફે ફઈમ હારુનભાઇ મેમણ અમદાવાદ, વેજલપુર, નફીસ કાસમભાઈ મન્સૂરી અમદાવાદ જુહાપુરા, કૌશલ મહેન્દ્રભાઈ વોરા સુરત અડાજણ અને પુનિત ગુણવંતલાલ શાહ મુંબઇ, મીરારોડ હાલ રહે. સુરત વાળાના નામો જાહેર કરી અપીલ કરાઈ છે કે, ઉપરોક્ત કોઈ શખ્સો પાસેથી જો કોઈએ ઇન્જેક્શનો મેળવ્યા હોય તેઓ પોલીસને માહિતી આપી શકે છે.

(8:03 pm IST)