Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબીના નળીયા ઉદ્યોગકારો વાવાઝોડા ગ્રસ્ત જિલ્લામાં રાહતદરે નળીયા આપવા કટિબદ્ધ : સંગ્રહખોરી અને કાળાબજાર ન થાય તે માટે ખાસ તકેદારી લેવાઇ રહી છેઃ અધિક કલેક્ટર

 મોરબી :  તાઉ’તે વાવાઝોડાની અસર રાજ્યના અમરેલી, ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ જિલ્લાઓમાં કાચા, ઝુપડા બાંધીને કે નળીયાવાળા ઘરોમાં રહેતા પરિવારોને ઘણુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇ સીરામીક સીટી તરીકે જાણીતા મોરબી જિલ્લામાં નળીયાનું ઉત્પાદન વધારી દેવાયું છે.
વાવાઝોડા પહેલા મોરબીના નળીયા ઉદ્યોગકારોને જોઇએ તેટલા નળીયાના નવા ઓર્ડર નહોતા મળતાં પરંતુ વાવાઝોડા બાદ નળીયા વાળા મકાનોને વધુ નુકસાન થયેલ હોવાથી મોરબીના નળીયા ઉદ્યોગકારોને ફરીથી ધંધામાં તેજી દેખાઇ રહી છે. જોકે આપત્તિને અવસરમાં પલટાવવા મોરબીના નળીયા ઉદ્યોગકારોએ માનવતા દાખવીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહતદરે અને પૂરતા પ્રમાણમાં નળીયાઓ મોકલવા માટેની તૈયારી દર્શાવી છે.
  આ અંગે મોરબી જિલ્લાના અધિક કલેક્ટર કેતન પી. જોષીના અધ્યક્ષસ્થાને નળીયા ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારો સાથે બેઠક કરી અતિ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વાજબી ભાવથી નળિયા પૂરા પાડવા, જરૂરિયાત મુજબનું દૈનિક ઉત્પાદન કરવા તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને રાહત દરે નળીયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોરબી હર હંમેશા લોકોની સેવા માટે આગળ રહે છે ત્યારે ફરી એક વખત મોરબીનો નળીયા ઉદ્યોગ ગરીબોના ઘર બનાવવા આગળ આવ્યો છે

(8:01 pm IST)