Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મશાનવાળા મેલડી માતાજીના મંદિરે ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ : બી ડિવિઝન પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલ્યો

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા સ્મશાન વાળા મેલડી માતાજીના મંદિરે બે દિવસ પહેલા ચોરીની ઘટના સામે આવી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે બાતમી અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ગણતરીની કલાકોમાં જ મંદિરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને પોલીસે મંદિરમાંથી ચોરી કરનાર તસ્કર બેલડીને ઝડપી લીધી હતી.
  આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તાર અંદર ધોળેશ્વર સ્મશાનની બાજુમાં નદીના પટ્ટમાં આવેલ સ્મશાનના મેલડી માતાજીના મંદિરે ગત તા. 26ના રોજ મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ મંદિરની દાનપેટીને નિશાન બનાવીને તેમાંથી 2 હજાર રૂપિયાની રોકડની ચોરી કરી ગયા હતા. આ મંદિરમાં ચોરીના બનાવથી ભાવિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ બનાવ અંગે મંદિરનું કામ સાંભળતા હિતેશભાઈ જેન્તીભાઈ દેગામાંએ અજાણ્યા શખ્સો સામે ચોરીની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
  આ બનાવની ફરિયાદને પગલે બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલ સહિતના સ્ટાફે સઘન તપાસ ચાલવીને આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં સી.સી.ટી.વી. ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે મેલડી માતાજીના મંદિરમાં ચોરી કરનાર આરોપીઓ સુનિલભાઈ ભરતભાઇ અંગેચણીયા અને નરેશભાઈ જયદેવભાઈ લાંબાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

(8:00 pm IST)