Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

વિઠ્ઠલાપરામાં વડિલોપાર્જીત ખેતીની જમીનનું ખોટું સોગંદનામુ કરી છેતરપીંડી

૨૬ વિઘા જમીન હડપ કરવાનો કારસો કરનાર ૭ શખ્સો સામે લખતર પોલીસમાં ફરિયાદ

વઢવાણ તા. ૨૮ : સુરેન્દ્રનગર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સહિતની જમીનના વેચાણ માટે ખોટા આધાર પુરાવાઓ ઉભા કરી ખોટું સોગંદનામું કરી છેતરપીડી તેમજ વિશ્વાસઘાતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર શહેરી વિસ્તારમાં રહેતાં ફરિયાદી મહેશભાઈ અમરશીભાઈ નૈતરા રહે.વિઠલાપરાની વડીલોપાર્જીત ખેતીની જમીન સીમ સર્વે નં.૫૩૬ના હેકટર ૪.૨૪.૯૨ અંદાજે ૨૬ વિઘા જમીનમાં ફરિયાદીના દાદા મરણજનાર અમરશીભાઈ ડાયાભાઈનો વારસાઈ હક્ક હોવા છતાં આ જમીન વેચાણ કરવાના ઈરાદે ખોટા આધાર પુરાવાઓ અને દસ્તાવેજો ઉભા કર્યા હતાં.

જેમાં આરોપી મુકેશભાઈ ડાભીની ઓફીસે બનાવેલ આધાર કાર્ડના આધારે મૃતક અમરશીભાઈ ડાયાભાઈના નામનું આરોપી બચુભાઈ કમશુભાઈ કોળીએ ખોટું નામ ધારણ કરી ખોટું સોગંદનામું તૈયાર કરી આધારકાર્ડ અને સોગંદનામું ખોટું હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી મૃતક અમરશીભાઈનો જમીનમાં હક્કો હિસ્સો કમી કરવા માટે સોગંદનામું તેમજ ખોટા ડોકયુમેન્ટ લખતર મામલતદાર કચેરીએ રજુ કરી ફરિયાદીની જમીન હડપ કરી વિશ્વાસઘાત કર્યા અંગે ૭ શખ્સો હરિભાઈ ઉર્ફે હરશનભાઈ પોપટભાઈ નૈતરા, છનાભાઈ પોપટભાઈ નૈતરા, અશોકભાઈ પોપટભાઈ નૈતરા, નાનુભાઈ પોપટભાઈ નૈતરા તમામ રહે.વિઠલાપરા તા.લખતર તથા મુકેશભાઈ હિંમતભાઈ કોળી, મુકેશભાઈ ડાભી, રામાધણી દુકાનવાળા અને બચુભાઈ કમસુભાઈ કોળી રહે.કુમારખાણવાળા સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(11:40 am IST)