Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

નેસડાના માલધારીઓના પશુઓને ઘાસચારો આપવા હૂકમ

સુત્રાપાડા,તા. ૨૮: તાઉતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવેલા નેસડાઓમાં અને એમાં પણ ખાસ કરીને ઉના અને ગીર ગઢડા,ખાંભા અને ધારીની આજુબાજુના જંગલ વિસ્તારમાં આવેલા નેસડાઓમાં માલધારીઓના કાચા મકાનો તો નાબૂદ થઈ ગયા છે પરંતુ ભેંસો અને ગાયો માટેનો ઘાસચારો પણ નાબૂદ થઈ ગયો હતો, ઉના અને ગીર ગઢડા,ખાંભા અને ધારીના જંગલ વિસ્તારમાં આવેલા જંગલોમાં વૃક્ષો પણ મોટા પાયે ધરાશાયી થયા હોવાના કારણે માલધારીઓ આ મૂંગા પશુઓને જંગલમાં ચરાવવા જઈ શકે એવી સ્થિતિ પણ નહોતી, ત્યારે આવા વિકટ સમયમાં નેસડાના પશુઓને બચાવવા એ માલધારીઓ માટે કઠિન બની રહ્યું હતું.

આવા સમયે નેસડામાં રહેતાં માલધારીઓના મૂંગા પશુઓની ચિંતા ભગવાનભાઈ વણઝરને થઈ અને એમણે તેમજ અન્ય માલધારીઓએ એક આશા સાથે આ બાબતની રજૂઆત સફળ આંદોલનકારી પ્રવિણ રામને કરી , આ રજુવાત બાદ આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા બીજા દિવસે નેસડાઓની મુલાકાત લેવામાં આવી અને હકીગત જાણ્યા બાદ પ્રવિણ રામે તુરંત જિલ્લા કલેકટર સાથે વાત કરી આ માલધારીઓના પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા લેખિતમાં માંગણી કરી , ત્યારે આ રજુવાત બાબતે જિલ્લા કલેકટર દ્વારા હકારાત્મકતા દાખવી સરકાર સમક્ષ આ માંગણી મૂકાતા સરકાર દ્વારા નેસમાં રહેતા માલધારીઓના પશુઓ માટે નિશુલ્ક ઘાસચારો આપવાનો હુકમ થયો.જે હુકમના કારણે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના જંગલ વિસ્તારમાં રહેતા માલધારીઓને રાહતના સમાચાર મળ્યા.

આ હુકમ બાદ આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા જણાવવામાં આવ્યું કે સામાજિક સંસ્થાઓ દ્વારા નેસડામાં રહેતા માલધારીઓ માટે ઘાસચારાની ગાડીઓ ભરી મોકલવામાં આવતી હતી પરંતુ એમનાથી તમામ પશુઓને ઘાસચારો પૂરો પાડી શકાય એવું નહોતું એટલા માટે આ બાબતનું જિલ્લા કલેકટરશ્રીનું લેખિતમાં ધ્યાન દોર્યું હતું ત્યારે જિલ્લા કલેકટરશ્રી દ્વારા હકારાત્મકતા દાખવવામાં આવી હતી અને ત્યારબાદ ઘાસચારો આપવા બાબતનો સરકારમાંથી હુકમ પણ કરવામાં આવ્યો એ બદલ પ્રવિણ રામે જિલ્લા કલેકટરશ્રી અને સરકારનો આભાર માન્યો હતો.

(11:42 am IST)