Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ઉનામાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ : પાલિકા પ્રમુખ સહિત ૩ ને ઇજા

પાલિકા પ્રમુખ કાળુભાઇ રાઠોડ પાલિકાના પૂર્વ સદસ્યનું અવસાન થતા મોઢે થવા ગયેલ ત્યારે અજાણ્યા શખ્સોએ કારમાં આવીને ફાયરીંગ કર્યુ

ઉના ભાજપના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ ઉપર ફાયરીંગથી લોકોના ટોળા એકત્રઃ ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ ઉપર ફાયરીંગ થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ ફાયરીંગમાં કે.સી. રાઠોડ સહિત ૩ને ઈજા થઈ હતી. તસ્વીરમાં ઈજાગ્રસ્ત હાલતમાં પૂર્વ ધારાસભ્ય તથા ઘટના સ્થળે લોકોના ટોળા નજરે પડે છે.

ઉના, તા. ર૮ : નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નગરપાલિકાના એક સભ્યનું અવસાન થયું હોય ત્યાં બેસવા ગયેલ તે સમયે અજાણી કારમાં કેટલાંક શખ્સો આવીને અંધાધૂધ ફાયરીંગ કરતા કાળુભાઇ સહિત ૩ને ઇજા થતા રાજકોટ સારવાર માટે ખસેડાયેલ છે. અજાણ્યા શખ્સો ફાયરીંગ કરીને કારમાં ફરાર થઇ ગયેલ.

નગરપાલિકાના પૂર્વ સદસ્ય ગીતાબેન કાંતિલાલભાઇ છગનું અવસાન થતાં તેમના નિવાસ સ્થાને પાલિકાના વર્તમાન પ્રમુખ કાળુભાઇ રાઠોડ બેસવા ગયેલ ત્યારે અજાણી કાર આવેલ અને કારમાંથી કેટલાંક શખ્સો દ્વારા અંધાધૂધ ફાયરીંગ કરતા કાળુભાઇ રાઠોડ તથા તેની બાજુમાં બેઠેલ અંતરાય ઠાકર તથા મુકેશભાઇ નામની વ્યકિતને ઇજા થતા ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ.

ફાયરીંગનો બનાવ બનતા શહેરમાં ચહલપહલ થઇ ગયેલ અને પાલિકા પ્રમુખ કાળુભાઇ રાઠોડની ઓફિસે લોકોના ટોળા ઉમટી પડેલ અને ટોળાને વિખેરવા પોલીસ બોલાવી પડી હતી.

(4:11 pm IST)