Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કેશોદ : કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ પિપળીયા નગરના રહેવાસીઓની સ્વતંત્રતા છીનવાયાની અનુભુતી

બહાર નહીં નીકળવા દેવાતા અબાલ વૃધ્ધ સૌ કોઇ અકળાયાઃ ધંધાથીઓ, ખેડુતો, મજુરો, કારીગર વર્ગ સહિતના ઘરમાં જ અટવાયા : વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મેહુલભાઇ ગોંડલીયાએ ડે. કલેકટરને આવેદન આપી વેદના વ્યકત કરતા જણાવ્યુ઼ કે બીમાર વ્યકિત દવાખાને જઇ શકતા નથી, ખેડુતો ખેતર જઇ શકતા નથી, શહેરના લગભગ અન્ય તમામ વિસ્તારોમાં છુટછાટ છતાં આ વિસ્તારના લોકો કન્ટેન્ટમેન્ટના બંધનમાં આવી જતા કામધંધે નહીં જઇ શકતાં મુશ્કેલીમાં: જરૂરત કરતા વધુ વિસ્તારને સીલ કરાયાનો આક્ષેપ

કેશોદ તા.ર૮ : વાઇરસના કેસ પોઝીટીવ આવતાં કોરોના વાઇરસના દર્દીઓના રહેણાંક વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી સબંધીત તંત્ર દ્વારા આ વિસ્તારોને સીલ કરી  આ વિસ્તારોમાંથી કોઇને બહાર નહીં આવવા દેવા તેમજ બહારની વ્યકિતને અંદર નહી પ્રવેશવા દેવાની કડક અમલવારી થતાં આ વિસ્તારના લોકોમાં ચહલ પહલ મચી જવા પામેલ છે.

કન્ટેમેન્ટ ઝોનમાં સમાવેશ પામેલ અત્રેના પિપળીયા નગરના રહેવાસીઓ પોતાની સ્વતંત્રતા છીનવાયાની અનુભુતી કરી રહેલ છે. પ્રવર્તમાન સંજોગોમાં આ વિસ્તારમાં અવર જવર બંધ થતાં અબાલ વૃધ્ધ સૌ કોઇ અકળાઇ ઉઠેલ છે.

આ વિસ્તારના લોકો વેદના વ્યકત કરતાં જણાવી રહયા છે કે, કન્ટેન્ટમેન્ટ ઝોનના બંધનના કારણે બીમાર વ્યકિતઓ દવાખાને જઇ શકતા નથી, ખેડુતો ખેતરે જઇ શકતા નથી, શહેરના લગભગ અન્ય તમામ વિસ્તારોમાં છુટછાટ છતાં આ વિસ્તારનાં લોકો લોકડાઉનના બે માસ બાદ પણ કામ ધંધા પર નહીં જઇ શકતા મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જરૂરત કરતા વધુ વિસ્તારને સીલ કરી રાજરમત રમાઇ રહેલ હોવાના પણ આક્ષેપો થઇર હયા છે.

પીપળીયાનગર વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી આ સંજોગોની આગામી તા. ૧૭ સુધી અમલવારી કરવાની થતી હોઇ આ બાબતને ધ્યાને લઇ પ્રવર્તમાન આ સ્થિતિામાંથી થોડી રાહત મળવાની સાથે સાથે સ્થાનીક વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મેહુલભાઇ નાનજીભાઇ ગોંડલીયાએ નાયબ કલેકટરને એક આવેદન આપી અસરગ્રસ્તના રહેણાંક વિસ્તારની આસપાસના મકાનો સિવાયના અન્ય દુરના રહેવાસીઓને છુટછાટ આપવા માંગણી કરેલ છે.

આ વિસ્તારના લોકોની વેદનાને વાંચા આપતા મેહુલભાઇ ગોંડલીયાએ આવેદનમાં જણાવેલ છે કે, લગભગ છેલ્લા એક સપ્તાહથી કેશોદ શહેરનો જુની વાડી, પીપળીયાનગર વાળો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલ છે. આ વિસ્તારમાં મોટા ભાગના ખેડુતો, મજુરો, કારીગર વર્ગ, છુટક મજુરી અને નોકરીયાત વર્ગ રહેશે. આ વિસતારના કન્ટેન્ટમેન્ટ થતાં કોઇપણ વ્યકિત ઘરની બહાર નીકળી શકતા નથી અને કોઇ જરૂરી કામ સબબ નિકળે તો પણ પોલીસ તેમને ફરી ઘરની અંદર મોકલી દે છે.

આ સ્થિતિ વચ્ચે અમારા વિસ્તારના બાળકો કે જેઓ અભ્યાસ કરે છે તેઓ ટાઇમ પાસ કરવા માટે ટીવી, વિડીયો ગેઇમ સહિતની અન્ય ગેઇમો રમતા થઇ ગયેલ છે. કોઇન ઘરની બહાર નીકળવા દેવામાં આવતાં ન હોઇ આ સ્થિતિથી લોકો કંટાળી ગયેલ છે.

આના કારણે નાની-મોટી બીમારી દરેક ઘરમાં થઇ જવા પામેલ છે. આ સ્થિતિના કારણે આ વિસ્તારના રહેવાસીઓ હોસ્પિટલે જઇ શકતા નથી.

હાલ ઉનાળુ સિઝન ચાલતી હોઇ અને આ વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો ખેતી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોઇ સ્થિતિના કારણે ખેડૂતો પોતાની વાડી કે ખેતરે જઇ શકતા નથી. જરૂરી જાળવણીના અભાવે ઉનાળુ પાક ફેલ થવા ના આરે છે અને માથે ચોમાસુ સીઝન શરૂ થવાની તૈયારી છે અને આ અંગેની જરૂરી તૈયારી કરવાની પણ બાકી છે. જો પાકનું નુકશાન થશે તો તેની જવાબદારી કોની ? તેવો સવાલ પણ ઉઠાવામાં આવેલ છે.

વધુમાં ગોંડલીયાએ જણાવેલ છે કે, કેશોદના અન્ય વિસ્તારોમાં પણ અમુક સ્થળોએ પોઝીટીવ કેસો આવેલા છે, પરંતુ ત્યાં અમુક મર્યાદીત વિસ્તાર સુધી જ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે. જેમ કે આંબાવાડી વિસ્તારમાં આવેલ આલીશાન એપાર્ટમેન્ટ માત્ર એક જ સીલ કરવામાં આવેલ છે. સફારી પાર્કનો પણ માત્ર અમુક જ વિસ્તાર કન્ટેન્ટન્મેન્ટ કરેલ છે જેની સરખામણીમાં પીપલીયા નગરનો મોટો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ કરાયેલ હોવાનું જણાઇ રહેલ છે તો તેનું કારણ શું ? આની પાછળ કોની રાજરમત છે ? તેવો સવાલ પણ ઉઠાવેલ છે.અંતમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખે સબંધિત સત્તાધીશોને અનુરોધ કરતા જણાવેલ છે કે, અમારી માંગણી અને સ્થિતિને ધ્યાને લઇ કોરોના દર્દોના ઘરની આજુુ બાજુમાં આવેલ મકાનો જ સીલ કરવામાં આવે અને બાકીના તમામ રહેવાસીઓને સ્વતંત્રતા મળે તેવી છુટછાટો આપવા જણાવાયું છે.

નાયબ કલેકટરને પાઠવેલ આવેદનની નકલ સ્થાનિક મામલતદારશ્રી, નગર પાલિકા ચીફ ઓફીસરશ્રી તથા ડીવાયએસપી સહિત લાગતા વળગતા સંબંધિત સત્તાધીશોને પણ મોકલી આ અંગે તેઓનું પણ ધ્યાન ખેંચેલ છે. 

(1:05 pm IST)