Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ખંભાળિયામાં તબીબ ઉપર હુમલામાં મુખ્ય આરોપી ઝડપાયોઃ બે ની શોધખોળ

ખંભાળિયા તા.ર૮ : જડેશ્વર રોડ પર આવેલી આશાદીપ હોસ્પીટલ પાસેથી સાંજના સમયે એકટીવા લઇને જતાં અને શ્રીજી શોપીંગ સેન્ટરમાં કલરવ હોસ્પિટલ ધરાવતાં ડો. રમેશ નાગજીભાઇ ભંડેરી ઉપર ત્રણ શખ્સોએ બાઇક અથડાવી તેમને નીચે પછાડી દઇ ધોકાવડે માર મારતા ફેકચર જેવી ઇજાઓ થઇ હતી અને ધોકાવડે એકટીવાને નુકસાન પહોંચાડયુ હતુ. જે બનાવ અંગે ડો.રમેશ ભંડેરીની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ અંગેની તપાસ ખંભાળિયા પીએસઆઇ પી.એ.જાડેજાને સોંપવામાં આવતા તેમણે બનાવ સ્થળના સીસીટીવી કેમેરા ચેક કરતા બનાવમાં સંડોવાયેલા શખ્સોના કપડા અને ટોપીના આધારે શોધખોળ હાથ ધરતા હુમલામાં સંડોવાયેલા બે શખ્સ નરશીભુવન પાસે હોવાની બાતમીના આધારે પોલીસે હબીબ ઉર્ફે હબલો ઉમર સીપાઇ રહે. યોગેશ્વરનગર તથા અનિશ ઉર્ફે અનિશીયો મજીદ જોખીયા બંન્નેને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.

જેમાં તેઓ નશો કરેલી હાલતમાં હોવાથી બાઇક અથડાઇ હતી અને ગુસ્સો આવી જતાં માર માર્યો હોવાની કબુલાત  પોલીસને ગળે ન ઉતરતાં બનાવનું સાચુ કારણ જાણવા માટે અને મુખ્ય આરોપી  સુધી પહોંચવા અંગે પોલીસ વડા રોહન આનંદ તથા ડિવાયએસપી હિરેન્દ્ર ચોધરીની સુચનાથી ખંભાળિયા પી.આઇ. અ એ.દેકવાડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એ.જાડેજાએ તપાસ લંબાવતા બનાવમાં સંડોવાયેલા ત્રીજો કુખ્યાત શખ્સ સાજીદ ઉર્ફે એસ.કે.નું નામ ખુલતાં વધુ કેટલીક કડીઓ જોડી તપાસ હાથ ધરતાં આ હુમલો અબુ કાસમ ભોકલ રહે. ખંભાળિયા વાળાની સાથે મળી પુર્વ આયોજીત રીતે કરવામાં આવ્યો હતો અને તેનું કારણ છએક મહિના પહેલા સારવાર બાબતે ડો.ભંડેરીની હોસ્પીટલમાં અબુ કાસમ ભોકલે ઝઘડો કર્યો હતો. જેની ફરીયાદ ડો. ભંડેરીએ પોલીસમાં નોંધાવી હતી. તેનો બદલો લેવા મનદુુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસે કુખ્યાત સાજીદ ઉર્ફે એસ.કે. અને અબુ કાસમ ભોકલ વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

તબીબ પર હુમલો કરવાના બનાવમાં મુખ્ય આરોપી સહિત બે શખ્સોનું નામ ખુલતાં તેમાંથી સાજીદ ઉર્ફે એસ.કે.અગાઉ ચોર અને દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડેલો હોવાનું જાણવા મળ્યું છે અને હવે આ મારામારીના બનાવમાં હાલ નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.(

(12:51 pm IST)