Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વંથલી પાસે દરીસાલીના નવયુગલની હત્યા કરનારા શખ્સો હાથવેંતમાં

મૃતક યુવકના બહેનની ફરિયાદ અને સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ

તસ્વીરમાં નવદંપતિના મૃતદેહ તથા પોલીસ ટીમ તપાસ કરતા નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ વિનુભાઇ જોષી.જૂનાગઢ, કિશોરભાઇ દેવાણી. કેશોદ, મુકેશ વાઘેલા.જૂનાગઢ)

જુનાગઢ, તા. ર૮ : વંથલી પાસે દરસાલીના નવયુગલની હત્યા કરી નાસી છૂટેલા શખ્સો પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.

ડબલ મર્ડરના આ બનાવમાં પોલીસે મૃતક યુવકની બહેનની ફરીયાદ અને સીસીટીવી ફુટેજના આધારે હત્યારાઓ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે.

માંગરોળ તાલુકાના દરસાણી ગામે રહેતો સંજય રામશીભાઇ રામ નામનો યુવાન ગઇકલો સાંજે મોટર સાયકલ પર પત્ની ધારા અને બહેન વનિતાબેન નંદાણીયાને સાથે ત્રિપલ સવારીમાં જુનાગઢ તરફ આવી રહેલ.

ત્યારે રસ્તામાં વંથલી નજીકહાઇવે પર પેટ્રોલ પંપ નજીક પાછળથી આવેલ એક બાઇકના ચાલકે ત્રિપલ સવાર બાઇકને ઠોકર મારી હતી જેથી ત્રણેય નીચે પટકાયા હતાં.

આ દરમ્યાન અજાણી મોટર સાયકલ પર આવેલ બે શખ્સોમાંથી એક ઇસમ સંજય અને ધારા ઉપર કુહાડીના આડેધડ પ્રહાર કરી બંનેને લોહીલોહાણ કરી મૂકયા હતાં.

આ નવયુગલને ગંભીર ઇજા થતાં બંનેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને અજાણ્યા બાઇક પર નાસી ગયા હતાં.

આ બેવડી હત્યા સમયે હાજર મૃતકની બહેન વનિતાએ પોતાના પતિ દેવશીભાઇ નંદાણીયાને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

ડબલ મર્ડરની ઘટનાને પગલે એસપી સૌરભસિંઘ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

મરનાર સંજય રામે ધારા ભાણાભાઇ પરમારની પુત્રી ધારા સાથે ભાગીને ચારેક માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. યુવક રાજકોટ  ખાતે કામ કરતો હતો અને ચોથા લોકડાઉનમાં છુટ મળતા દરસાણી ગામે આવ્યો હતો.

આ અંગે જૂનાગઢના ટીંબાવાડીમાં આવેલ દિયાંજલી-૧ પ્ર.નગરમાં રહેતા મૃતક યુવાનના બહેન વનિતાબેન દેવશીભાઇ નંદાણીયા ઉ.વ.૩૦ની ફરિયાદ લઇ વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

એસપી. સૌરભસિંઘે હત્યારાઓને પકડી પાડવા માટે ડીવાયએસપી જેબી ગઢવી, એલસીબીના પી.આઇ રાજેશ કાનમીયા, એસઓજીના જે.એમ. વાળા તેમજ વંથલીના પી.એસઆઇચૌધરી વગેરેને તપાસના કામે લગાડ્યા છે.

જિલ્લા પોલીસવડા સૌરભસિંઘે સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, હાલ સીસીટીવી ફુટેજના આધારે હત્યારાઓ  સુધી પહોંચવાની કવાયત ચાલી રહી છે. આરોપીએ આઇડેન્ટીફાઇ થઇ ગયા છે અને નજીકના સમયમાં પકડાય જશે.

(12:49 pm IST)