Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

માંડવી ખાતે કચ્છનું બીજુ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ થશેઃ રાજ્યમંત્રી વાસણભાઇ

ભુજ,તા.૨૮: સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કેબિનેટ બેઠકમાં કચ્છની રજુઆત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છમાં ઉનાળા દરમ્યાન પુરતું પીવાનું પાણી સમગ્ર જિલ્લાના ગામડાઓમાં, શહેરોમાં મળે અને નર્મદા નહેર દ્વારા રાપર શહેર તેમજ તાલુકાના દસથી બાર ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી હતી જેનો હકારાત્મક પ્રત્યુતર મળ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં માણસો કરતાં પશુઓની સંખ્યા વધારે છે. સામાન્ય રીતે વ્યકિત દીઠ ૫૦ લીટર પાણી આપવામાં આવે છે. પરંતુ પશુઓ માટે પણ ટેન્કરો દ્વારા પાણી મળે એ માટેની રજુઆતનો મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક પ્રત્યુત્ત્।ર આપ્યો હતો.

ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, અંજાર મધ્યે આવેલ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત કપાસ ખરીદી કેન્દ્રને વધારે એકટીવ કરીને ખેડૂતોના કપાસની વધારે ખરીદી થાય એ દિશામાં અને પશ્યિમ કચ્છને કોઇ અગવડ ન પડે તે માટે બીજું કપાસ ખરીદીનું કેન્દ્ર માંડવી ખાતે સત્વરે શરૂ કરાય તે માટે બાબતનો રાજય સરકારે સૈધ્ધાતિક સ્વીકાર કર્યો છે અને ટુંક સમયમાં પશ્યિમ કચ્છમાં માંડવી ખાતે સીસીઆઇ દ્વારા કપાસ ખરીદીનું કેન્દ્ર શરૂ કરી દેવામાં આવશે.

તેમણે આગળ જણાવ્યું કે, જૈન મુનિઓ જયારે એક ગામથી બીજા ગામ વિહાર કરતા હોય ત્યારે અત્યારે લોકડાઉનની સ્થિતિમાં મુનિવર્યોને કોઇ તકલીફ ન પડે અને તેઓને પણ આવવા-જવા માટે સરળતા રહે તે દિશામાં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને આ વાત મૂકી છે. તેઓને કહયું કે, કોઇપણ જૈન મુનિઓ સાધુ શ્રાવકોને સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી અટકાવવામાં આવશે નહીં અને કોઇ તકલીફ નહીં પડે અને આગામી દિવસોમાં આ બાબતનું ચોક્કસપણે રાજય સરકાર ધ્યાન રાખશે.

(11:51 am IST)