Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભચાઉમાં બાળકી ઉપર દુષ્કર્મના ઘટના બાદ આઈજી સુભાષ ત્રિવેદી તપાસ માટે પહોંચ્યા

ગુનેગારની માહિતી આપનાર માટે ૨૧ હજારનું ઇનામ

ભુજ,તા.૨૮:  ભચાઉના યશોદાધામ પાસે માસુમ બાળકી ઉપર થયેલા બળાત્કાર પ્રકરણ સંદર્ભે આરોપીને શોધવા પોલીસે કવાયત શરૂ કરી દીધી છે. દરમ્યાન કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ગઈકાલે ભચાઉની મુલાકાત લઈને આ બનાવની જાત તપાસ સાથે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિએ રમજાન મહિના દરમ્યાન મુસ્લિમ બાળકી ઉપર આચરાયેલા આ હેવાનીયતભર્યા કૃત્યને વખોડી આરોપીને ઝડપી પાડવા માંગ કરતો પત્ર પૂર્વ કચ્છ પોલીસને પાઠવ્યો હતો. તો, પૂર્વ કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ પોલીસ તપાસ સંદર્ભે આરોપી વિશે લોકોને જાણકારી આપવા અપીલ કરીને તેમની સંસ્થા વતી બાતમી આપનારને ૧૧ હજારનું ઇનામ જાહેર કર્યું છે.

જોકે, પોલીસ દ્વારા ૫૦ થીયે વધુ શકમંદ શખ્સોને પૂછપરછ માટે રાઉન્ડઅપ કરાયા હોવાનું પણ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવી પોલીસની કામગીરી સક્રિય હોવાનું જણાવ્યું છે. ગત ૨૦/૫ ના બનેલા આ બનાવની પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ થઈ રહી છે. ખુદ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ગઈકાલે બનાવના સ્થળની મુલાકાત લઈને ઘટના વિશેની વિગતો મેળવી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા માટે આ બનાવ વિશે માહિતી આપનાર માટે ૧૦ હજારનું ઇનામ જાહેર કર્યું છે. આમ, ૨૧ હજારનું ઇનામ જાહેર કરાયું છે. બાતમી આપનારને ભચાઉના પીઆઇ ડી.બી. પરમાર મો. ૯૮૨૫૨૧૮૧૫૯, ભચાઉ પોલીસ સ્ટેશન ૦૨૮૩૭૨૨૪૦૩૬ પર સંપર્ક કરવા પોલીસ દ્વારા જણાવાયું છે.

(11:45 am IST)