Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

સુરેન્દ્રનગર જિ.માં વધુ પાંચ દર્દીઓ કોરોનામુકત થતા હર્ષ સાથે ઘેર ગયા

હોસ્પિટલ કર્મચારીની સેવા સુશ્રૃષાથી દર્દીઓએ સંતોષ વ્યકત કર્યો

સુરેન્દ્રનગર, તા.૨૮: સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડાળા  ગામના વતની પ્રવિણભાઇ ધનજીભાઇ ગોઢકીયા અને ધનજીભાઇ માવુભાઇ ગોઢકીયા તેમજ ગુંદીયાવાડા ગામના પ્રવિણભાઇ પુંજાભાઇ પંચાલ ઉપરાંત શહેરના રતનપર વિસ્તારના અરુણ વસંતરાય ગુંડકેર તથા ગોવિંદ હનુમંતરાવ દેશપાંડે મળીને પાંચ વ્યકિતઓનો  કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલ ખાતે સદ્યન સારવાર બાદ પાંચ દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા હોસ્પિટલમાંથી તેમને  રજા આપવામાં આવી હતી.

 કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા બાદ સારવાર થકી સાજા થયેલા ગોવિંદ દેશપાંડેએ  સંતોષની લાગણી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, હોસ્પિટલના બધા કર્મચારીઓએ અમને સારો  સહયોગ આપ્યો છે.  તેમજ અમારી બહુ સારી સેવા કરી છે, હોસ્પિટલના ડોકટર્સ અને નર્સ દ્વારા અમારી સમયસર તપાસ કરવામાં આવતી હતી તેમજ અમને દરરોજ સમયસર દવા અને જમવાનું પણ આપવામાં આવતુ હતુ.

આ સેવા કરવા બદલ હોસ્પિટલના તમામ સ્ટાફનો હુ આભાર માનુ છુ. તેમણે આ તકે કોરોનાને હરાવવા લોકોને વારંવાર હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અને સુરક્ષિત રહેવા પણ અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જિલ્લાના ચાર દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને પણ  રજા આપવામાં આવી હતી. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં ૯ દર્દીઓ કોરોના મુકત થયા છે.

(11:38 am IST)