Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ખારચીયામાં બે માસની બાળકી જીયાને કોરોના કેવી રીતે લાગ્યો? તે રહસ્યઃ ૧૫ ઘર કન્ટેઇનમેન્ટ ઝોનમાં

બાળકીના માતા મધુબેનનું સાસરૂ રાજકોટ માંડા ડુંગર પાસેઃ તેણી ડિલીવરી માટે ચાર માસથી સરધારના ખારચીયામાં માવતરે રોકાઇ છેઃ ગઇકાલે ગુંદાવાડીમાં બાળાની તબિયત બતાવી, શંકા પરથી રિપોર્ટ થયો ને સાંજે પોઝિટિવ આવ્યોઃ બાળકી રાજકોટ કોવિડ-૧૯માં દાખલ : ડો. ભંડેરી કહે છે-બાળકીના નાનાને બોરવેલનો ધંધો, તેઓ કચ્છથી આવ્યા હતાં: બાળાની માતા પણ રાજકોટ દવા લેવા બહાર નીકળ્યા હતાં: આ બેમાંથી કોરોના આવ્યો હોવાની શકયતા

સરધારના ખારચીયામાં બે માસની બાળકીનો કોરોના પોઝિટિવ આવતાં જીલ્લા આરોગ્ય તંત્રની ટીમમાં દોડધામ મચી ગઇ હતી. રાતે બાળકીના પરિવારજનોને કવોરન્ટાઇન કરવાની તથા ૧૫ ઘરને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી શરૂ થઇ હતી. સવારે દવા છંટકાવનું કામ કરવામાં આવ્યું હતું. તેની તસ્વીરો સરધારથી સાગર જોષીએ મોકલી હતી.

રાજકોટ તા. ૨૮: સરધારના ખારચીયામાં પ્રજાપતિ દંપતિની બે માસની નવજાત બાળકીને કોરોનો પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે અને જીલ્લા આરોગ્ય તંત્ર એ જાણવા મથી રહ્યું છે કે આ માસુમ બાળકીને કોરોના કયાંથી વળગ્યો. પોઝિટિવ કેસ જાહેર થતાં મોડી રાત સુધી જીલ્લા આરોગ્યની ટીમોએ ખારચીયામાં લોકોને કવોરન્ટાઇન કરવાની અને જ્યાં પોઝિટિવ કેસ જાહેર થયો એ વિસ્તારના ૧૮ ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા કાર્યવાહી કરી હતી. આ ઘરોમાં ૫૯ લોકો રહે છે. બાળકીને તેની માતા સાથે રાજકોટ કોવિડ-૧૯માં મોકલવામાં આવી હતી. જ્યારે તેના કુટુંબના બીજા ત્રણ લોકોને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ માંડા ડુંગર પાસે માવતર સાસરૂ ધરાવતાં મધુબેન અજયભાઇ ચોૈહાણ (પ્રજાપતિ) ચાર મહિના પહેલા ડિલીવરી માટે પોતાના માવતર સરધારના ખારચીયા ગામે આવ્યા હતાં. અહિ તા. ૧૯/૩/૨૦ના રોજ તેણીએ દિકરીને જન્મ આપ્યો હતો. આ દિકરીનું નામ જીયા રખાયું છે. બે માસની વયની જીયાને તાવ-શરદી જેવું થતાં ગઇકાલે તેણીને રાજકોટ ગુંદાવાડી હોસ્પિટલમાં બતાવવા માટે લાવવામાં આવી હતી. અહિ તબિબે લક્ષણો શંકાસ્પદ જણાતાં બાળકીનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે સાંજે પોઝિટિવ જાહેર થતાં બાળકીને માતા સાથે કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશકુમાર ભંડેરી, તાલુકા ઓફિસર ડો. પી. પી. પટેલ, મેડિકલ ઓફિસર-સરધાર ડો. વિવેક કોટડીયા, સુપરવાઇઝર વિપુલ કાકડીયા, જે. ડી. સોલંકી, સંજય નાકીયા, શૈલેષ હુંબલ, જયેશ ત્રિવેદી સહિતની ટીમ મોડી સાંજે ખારચીયા પહોંચી હતી અને બાળકીના નાના-નાની જ્યાં રહે છે એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે મોડી રાત સુધી ચાલી હતી. આ વિસ્તારમાં ૧૮ ઘરમાં ૫૯ લોકો રહે છે. જેને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયેલ છે. બાળકીના પરિવારના ત્રણ લોકોને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

માસુમ બાળકીને કોરોના કઇ રીતે વળગ્યો તે રહસ્ય શોધવા ડો. ભંડેરી અને ટીમે તપાસ શરૂ કરી છે. એક એવી શકયતા જણાઇ છે કે બાળાની માતા અગાઉ રાજકોટ દવા લેવા માટે બહાર નીકળ્યા હતાં. આ ઉપરાંત બાળાના નાના બોરવેલનું કામ કરતાં હોઇ તેઓ અગાઉ કચ્છ ગયા હતાં અને ઘરે આવ્યા હતાં. હાલમાં તેઓ સુરત ગયા છે. બાળાના માતાનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે જેનો રિપોર્ટ સાંજે આવશે. બાળકીના પિતા અજયભાઇ ચોૈહાણ મેટોડા જીઆઇડીસીમાં નોકરી કરે છે. ખારચીયા ગામમાં સવારે દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

(11:31 am IST)