Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

રાજકોટમાં અભ્યાસ કરતી સગીરાનું જામટીંબડીના બે સંતાનના પિતા હુશેન ઠેબાએ અપહરણ કરી હોટેલમાં બળાત્કાર ગુજાર્યો

જાન્યુઆરી મહિનાનો બનાવઃ રાજકોટ કુવાડવા પોલીસે અપહરણ, પોકસો, ધમકી, બળાત્કાર, એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૮: ઉપલેટાના જામટીંબડી ગામે રહેતાં બે સંતાનના પિતા એવા મુસ્લિમ શખ્સે રાજકોટ રહી અભ્યાસ કરતી સગીરાનું ગત જાન્યુઆરી માસમાં અપહરણ કરી મોરબી રોડ પરની હોટેલમાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં અને તેણીના ભાઇને મારી નાંખવાની ધમકી આપતાં આ મામલે કુવાડવા પોલીસને મોકલતાં અપહરણ, એટ્રોસીટી, પોકસો, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવ અંગે પોલીસે ભોગ બનનારના દાદીમાની ફરિયાદ પરથી જામટીંબડીના હુશેન ભીખાભાઇ ઠેબા નામના શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૬ (૨), પોકસો એકટ અને એટ્રોસીટી મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે ૨૭/૧/૨૦ના રોજ અમે ઘરે હતાં ત્યારે મારા દિકરાની દિકરી કે જે રાજકોટ હોસ્ટેલમાં રહી ભણે છે ત્યાંથી ફોન આવ્યો હતો કે તમારી છોકરી કયાંક જતી રહી છે. આથી મારો દિકરો રાજકોટ તપાસ કરવા ગયો હતો. એ પછી દિકરીને અમે બીજા ગામ સગાને ત્યાં થોડા દિવસ માટે મુકી આવ્યા હતાં.

અઠવાડીયા પછી અમે તેણીને હોસ્ટેલમાંથી કયાં ગઇ હતી? તે અંગે પુછતા તેણે કહ્યું હતું કે ૨૭/૧ના સવારે દસેક વાગ્યે હોસ્ટેલમાં હતી ત્યારે હુશેન ઠેબા (સંધી)નો ફોન આવ્યો હતો અને મને હોસ્ટેલ બહાર બોલાવતાં હું ત્યાં જતાં તે મને રિક્ષામાં બેસાડી મોરબી રોડ પરની દેવ દ્વારકાધીશ હોટેલમાં લઇ ગયો હતો. ત્યાં રૂમમાં મારી સાથે બળજબરીથી સંબંધ બાંધી લીધો હતો. એ પછી બહાર નીકળી હુશેને ધમકી આપી હતી કે જો કોઇને વાત કરી તો જાનથી મારી નાંખીશ. ત્યારબાદ તે હોટેલમાંથી જતો રહ્યો હતો. ત્યાં રાતે મારા પપ્પા આવી ગયા હતાં. આ બનાવની ગામના આગેવાનોએ કર્યા બાદ સમાધાનની વાત થઇ હતી. એ પછી ૧૫/૫ના હુશેન અને તેની માતાએ ઘરે આવી ધમકી આપી હતી કે હવે તમારી દિકરીને લઇ જવી છે. આ કારણે હવે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરતાં ભાયાવદર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં આ ફરિયાદ નોંધાવાઇ હતી. આરોપી હુશેન બે સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. એસસીએસટી સેલના એસીપી એસ.ડી. પટેલની રાહબરીમાં કુવાડવા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:29 am IST)