Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

તળેટી બજારમાં આગની ઝપટમાં પાંચ દુકાનો : ૧૦ લાખનું નુકસાન : ફાયર ફાઇટરોની ૩ કલાકની જહેમતે કાબુમાં

લોકડાઉનમાં ચોટીલાના નાના ધંધાર્થીઓને પડયા ઉપર પાટુ

ચોટીલા તા. ૨૮ : પવિત્ર યાત્રાધામ ચામુંડાધામની તળેટી બજાર કોરોનાની જંગમાં માર્ચ માસથી બંધ છે ત્યારે આજે બપોરનાં બે વાગ્યાનાં અરસામાં દેવી દેવતાઓની ફોટો ફ્રેમની ચાર્મી પિકચરની દુકાનમાં આગ લાગેલ જેની તેના માલિક અનિલભાઈ ચોલેરાને જાણ કરતા તેઓ ઘરે થી દોડી આવેલ હતા પરંતુ ત્યાં સુધીમાં આગની જવાળાઓ નજીકની ચાર દુકાનમાં પ્રસરી ગયેલ હતી જેને ઠારવા માટે ચોટીલા થાનગઢ પાલિકાના ફાયર ફાઇટરો અને સ્થાનિક લોકોએ ત્રણ કલાક પાણીનાં ટ્રેકટરનો મારો ચલાવી આગને કાબુમાં લીધેલ હતી.

જોકે એકતો ધંધો રોજગાર ઠપ્પ છે. ઉપરથી આ દુર્ઘટના બનતા નાના ધંધાર્થીઓને આર્થિક નુકસાન હાલના સમયે પડ્યા ઉપર પાટૂ સમાન બનેલ છે.

આગ સોર્ટ સર્કિટને કારણે લાગેલ હોવાનું પ્રાથમિક અનુમાન છે જેને કારણે ફોટો ફ્રેમ ના દુકાનદાર અનિલભાઈ ચોલેરાને છ લાખ, રમકડા ઈમિટેશનના દુકાનદાર ગેલાભાઇ ચૌહાણ, દેવાભાઇ જમોડને અંદાજે ૫૦ થી ૭૦ હજાર, દલસુખભાઇ મકવાણા અને સુરેશભાઈ માલકિયાને ૩૦ થી ૫૦ હજારનો માલ આગની ઝવાળામાં બળીને ખાક થઇ ગયેલ છે એક પ્રાથમિક અંદાજ મુજબ પાંચ દુકાનદારોને આગને કારણે દશ લાખ ની નુકશાની હોવાનો અંદાજ છે

ફોટો ફ્રેમના વેપારી અનિલભાઈ એ જણાવેલ કે માર્ચ માસમાં ચૈત્રી પુનમને ધ્યાને રાખી માલ ભરેલ હતો પરંતુ લોક ડાઉન આવતા ત્રણ મહિનાથી દુકાનો બંધ પડેલ આજે સોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અમારે કપરા સમયમાં મોટી યાતના વેઠવા જેવી ઘટના ઘટેલ છે.

આગની જાણ થતા મામલતદાર પી. એલ. ગોઠી, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયેલ હતા સ્થળ ઉપર અન્ય ધંધાર્થીઓ અને સ્થાનિકો પણ આગને ઓલવવા મદદમાં આવેલ હતાઙ્ગ

આગને કારણે નુકશાની વેઠનાર નાના વેપારીઓને રાહતરૂપી વળતર મળે તેવી તંત્ર સમક્ષ આશા રખાય રહી છે.

(11:25 am IST)