Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભાવનગરમાં ૪૪ ડિગ્રી સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે પવનના સૂસવાટા

હિટવેવ વચ્ચે કચ્છના રણકાંધી અને દરિયાઇ પટ્ટીમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધુળની ડમરીઓ ગોટે ચડી

ભુજઃ તસ્વીરમાં નવયુગ સરોવર નજીક ઉડતી ધુળની ડમરીઓ નજરે પડે છે (તસ્વીરઃ વિનોદ ગાલા -ભુજ)

રાજકોટ તા. ૨૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપ સાથે લોકો ગરમીથી ત્રાહીમામ પોંકારી ગયા છે. આવા વાતાવરણ વચ્ચે રાત્રીનાં જોરદાર પવન ફૂંકાયો હતો.

જોકે સવારના સમયે પવન થંભી ગયો હતો અને ધોમધખતો તાપ પડી રહ્યો છે.

ભાવનગરમાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચતા રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયુ હતું. એક સપ્તાહ સુધી ગરમીમાં ઘટાડો થવાના કોઇ સંકેતો મળતા નથી. બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ભાવનગર

ભાવનગરઃ ભાવનગરમાં સતત બીજા દિવસે પણ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે.૪૪ ડિગ્રી સાથે ગઈકાલ નોઙ્ગ દિવસ પણ સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો છે.

ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી ગરમીમાં બે દિવસથી અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ગઈકાલ પણ ૪૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.ધોમધખતા તાપમાં સરેરાશ ૩૦ કોલોમીટરની ઝડપે ગરમ લૂ ફૂંકાતાં લોકો અકળાયા હતા.ગરમીના પગલે સાંજના ૪ પહેલા જ શહેરના માર્ગો સુમસામ બનતા સ્વયંભૂ લોકડાઉનની સ્થિતિ જોવા મળી હતી.૪૪ ડીગ્રી સાથે ભાવનગર રાજયનું સતત બીજા દિવસે ગરમ શહેર બન્યું છે. ગરમીને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી હતી.

ભાવનગર નુંઙ્ગ ન્યૂનતમ તાપમાન ૨૭.૬ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા નોંધાયું હતું.ચાલુ સપ્તાહ દરમ્યાન ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

ભુજ

આસામ મેઘાલયમાં વરસાદ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. ત્યારે કચ્છમાં સખત ગરમી સાથે 'હિટ વેવ' નો માહોલ છે. ત્યારે ગઈકાલે સાંજે એકાએક કચ્છમાં મોસમે મિજાજ બદલ્યો હતો. પૂર્વ કચ્છમાં આડેસરની રણકાંધીએથી છેક પશ્યિમ કચ્છમાં અરબી સમુદ્ર કિનારે આવેલા નારાયણસરોવર મધ્યે મોસમે બદલેલા મિજાજનો લોકોને અનુભવ થયો હતો. વાતાવરણમાં ગરમી વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો સાથે ધૂળની ડમરીઓ ગોટે ચડી હતી. દરમ્યાન હવામાનખાતાએ કચ્છમા વરસાદી ઝાપટાની શકયતા વ્યકત કરી છે

કયાં કેટલુ તાપમાન

શહેર

તાપમાન

અમદાવાદ

૪૩.૮

ડીસા

૪૩.૩

ગાંધીનગર

૪૩.૫

વી.વી.નગર

૪૨.૯

વડોદરા

૪૨.૨

સુરત

૩૪.૨

ભાવનગર

૪૪

પોરબંદર

૩૫.૪

રાજકોટ

૪૨.૩

સુરેન્દ્રનગર

૪૨.૪

ભુજ

૩૮.૪

કંડલા એરપોર્ટ

૪૦.૯

(11:20 am IST)