Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાથી ડરીને મુંબઇ છોડયું પણ અહીં વળગ્યો અને ભોગ લીધો

કચ્છમાં બીજું મોત-મુંબઇથી આવેલો ભાનુશાલી યુવાને કવોરેન્ટાઇન થવામાં મનમાની કરી અને તેને કોરોના વળગ્યો, વતનમાં આવ્યા બાદ નિયમોનું પાલન ન કરાતા પરિવારજનો અને ગ્રામજનોને હેરાનગતિ

 ભૂજ,તા.ર૭: ગુજરાત અને મુંબઈના આર્થિક મહાનગરોમાં કોરોનાનો ભરડો વધ્યા બાદ લોકોનો ધસારો વતન સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વધ્યો છે. ત્યારે કચ્છમાં બહારથી આવનારા લોકોમાં કોરોના પોઝિટિવના કેસો વધીઙ્ગ રહ્યા છે. કચ્છમાં કોરોનાના વધુ બે દર્દીઓ વધતાં પોઝિટિવ કેસોનો આંક વધીને ૭૧ પર પહોંચ્યો છે.

જેમાં ૬૩ કેસ છેલ્લા ૨૦ દિવસમાં વધ્યા છે, જે તમામ બહારથી આવ્યા છે. મુંબઈથી વતન આવેલા વધુ બે પોઝિટિવ દર્દીઓ પૈકી સારવાર માટે દાખલ કરાયેલા એક પટેલ પ્રૌઢ ઈશ્વર ડાહ્યાભાઈ પટેલ ઉ.૫૨ (દરસડી, માંડવી)નું ગણતરીના કલાકોમાં જ મોત નીપજયું હતું.

જયારે અન્ય યુવાન ત્રિલોક શંકરલાલ ભાનુશાલી, ઉ. ૩૦ (સાંધાણ, અબડાસા) દ્વારા કવોરેન્ટાઈનમાં રહેવાનો ભંગ કરાયા બાદ તે યુવાનને કોરોના વળગતાં તેને હવે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આ માહિતી આપી છે, જે અનુસાર કોરોના પોઝિટિવ પટેલ પ્રૌઢને શ્વાસની તકલીફ હોઈ પરમ દિવસે દાખલ કરાયા બાદ તેમને મધરાતે વેન્ટીલેટર પર મુકાયા હતા, પણ ૨૪ કલાકની સારવાર દરમ્યાન જ તેમનું મોત નિપજયુ હતું. તંત્રએ તેમને ડાયાબિટીસ હોવાનું જણાવ્યું હતું, જોકે, મૃતક પટેલ પ્રૌઢ ઈશ્વરભાઈના પરિવારને તેમને ડાયાબીટીસ હોવાની કોઈ જાણ નહોતી. ગત ૧૨ મી મે એ મુંબઈથી કોરોનાના ડરને કારણે વતન કચ્છના દરસડી ગામે આવેલા ઈશ્વરભાઈ અહીં કવોરેન્ટાઇનમાં રહ્યા હતા.

તે દરમ્યાન તેમને શ્વાસની તકલીફ થઈ અને કોરોના વળગ્યો જેમાં તેમનું મોત નીપજયું. આમ, કોરોનાથી બચવા વતનમાં તો આવ્યા પણ અહીં તેમનો ભોગ તેમને જેનો ડર હતો તે કોરોનાએ જ લીધો. જયારે અન્ય કોરોના પોઝિટિવ યુવાન ત્રિલોક દ્વારા કવોરેન્ટાઈનમાં રહેવાનો ભંગ કરાયો હોવાનું ધ્યાને આવતા હવે તેની ઉપર પોલીસ કેસ કરાયો છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં બહારથી વતન આવનારાઓ નિયમનું પાલન કરતા ન હોવાના કિસ્સાઓ ધ્યાને આવે છે. જેનું પરિણામ તેમના પરિવારજનો અને આજુબાજુના રહેવાસીઓ ભોગવે છે, તેમને કવોરેન્ટાઈન કરવા પડે છે. તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવો પડે છે.

(11:18 am IST)