Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

શ્રી સોમનાથ મંદિરના ૭૦મા સ્થાપના દિવસની ઉજવણી : સોશ્યલ ડિસ્ટન્સ સાથે વિશેષ મહાપૂજા-ધ્વજા પૂજા

વેરાવળ-પ્રભાસપાટણ : સોમનાથ મહાદેવ જયોતિર્લિંગ જે સ્થાને પર હતું તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારશ્રીએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. તા.૧૧ મે ૧૯પ૧, વૈશાખ શુકલ પાંચમના દિને પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવામાં આવેલ ર૧ તોપની સલામી સાથે ભકતોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવેલ. આજે આ પ્રસંગે સરદારશ્રી સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ, મોરારજીભાઇ દેસાઇ, કનૈયાલાલ મુન્શી સામેલ હતાં. આજે જો સરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુન્શીના શબ્દો યાદ આવે કે, 'જો સરદાર ન હોત, તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદ્ભાગી થઇ ન હોત' કોરોના મહામારીના સંજોગોમાં ૭૦માં સ્થાપના દિવસ નિમિતે મહાપુજા દરમ્યાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી વિશ્વને કોરોના મુકત થાય. ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી દ્વારા ધ્વજાપૂજન કરેલ હતું. વિશ્વકલ્યાણની સોમનાથજીને પ્રાર્થના કરેલ હતી. સાંજે સોમનાથ મહાદેવ શૃંગારદર્શન અને દિપમાલા કરવામાં આવશે. તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે. (તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ-વેરાવળ-પ્રભાસપાટણ)

(4:13 pm IST)